દિલ્હીના લક્ષ્મી નગરમાં ટ્રિપલ મર્ડર, પુત્રએ જ માતા, બહેન અને ભાઈની હત્યા કરી, પછી પોલીસ સ્ટેશન જઈ ગુનો કબુલ્યો

દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાં ત્રિપલ હત્યાકાંડની ઘટના બની છે. અહીં એક યુવકે પોતાના જ પરિવારની નિર્દયતાથી હત્યા કરી દીધી. આરોપીએ તેની માતા, બહેન અને ભાઈની નિર્દયતાથી હત્યા કરી અને પછી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
અહેવાલ મુજબ, આ ઘટના લક્ષ્મી નગરની એક ગલીમાં બની છે, જ્યાં આસપાસના લોકોને ખ્યાલ પણ ન આવ્યો કે તેમના પડોશમાં આટલી મોટી ઘટના બની ગઈ છે. માહિતી મળતાં જ દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલમાં, હત્યાનો હેતુ સ્પષ્ટ નથી થયો. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે, અને ત્યારબાદ જ આ ભયાનક ઘટના પાછળનુ સત્ય બહાર આવશે.
પાડોશીએ ઘટના વિશે માહિતી આપી
શરૂઆતની તપાસમાં ઘરેલું ઝઘડો હોવાનું બહાર આવ્યુ છે, પરંતુ હત્યાનું સાચુ કારણ હજુ સુધી સ્પષ્ટ થયુ નથી. પોલીસ અને ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળે પુરાવા એકઠા કરી રહી છે. આરોપીના પાડોશી મહેશ શર્માએ જણાવ્યું કે, “પોલીસ આવી ત્યારે અમને ઘટના વિશે ખબર પડી.”
પાડોશી મહેશ શર્માએ જણાવ્યું કે માતા, પુત્રી અને દીકરાની હત્યા કરવામાં આવી છે. હત્યારો પણ પરિવારનો સભ્ય છે. ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓએ જણાવ્યું કે પુત્રએ હત્યા કરી છે અને તે પોતે પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને કહ્યું કે તેણે તેની માતા, બહેન અને ભાઈની હત્યા કરી છે. પરિવારના સભ્યો દરરોજ મંદિરમાં જતા હતા. આજે કોઈએ તેમને ત્યાં જોયા નહીં.
આર્થિક તંગીથી પરેશાન હતો આરોપી પુત્ર
પોલીસે જણાવ્યું કે આરોપી યુવકનું નામ યશવીર સિંહ છે. મૃતકોની ઓળખ તેની માતા કવિતા (46), બહેન મેઘના (24) અને ભાઈ મુકુલ (14) તરીકે થઈ છે. યશવીર લક્ષ્મી નગરના મંગલ બજાર વિસ્તારમાં રહેતો હતો. તેની માતા, બહેન અને ભાઈની હત્યા કર્યા પછી, તે પોલીસ સ્ટેશન ગયો અને હત્યાની કબૂલાત કરી. પોલીસ ટીમ તાત્કાલિક મંગલ બજાર વિસ્તારમાં યશવીરના ઘરે પહોંચી. જ્યારે તેઓએ અંદર જોયું તો તેમને ત્રણેય મૃતદેહ મળી આવ્યા. હાલમાં આર્થિક તંગી હત્યાનું કારણ હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ પોલીસ અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: દિલ્હીના લક્ષ્મી નગરમાં વેપારી પરિવાર પર હુમલો, પિતા-પુત્રને રસ્તા પર નગ્ન કરીને માર માર્યો












