ટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીના લક્ષ્મી નગરમાં વેપારી પરિવાર પર હુમલો, પિતા-પુત્રને રસ્તા પર નગ્ન કરીને માર માર્યો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બેંક એન્ક્લેવમાં, કેટલાક ગુંડાઓએ એક વેપારી પરિવાર પર ક્રૂર હુમલો કર્યો. બદમાશો ઘરમાં ઘૂસી ગયા અને પરિવારના સભ્યોને બહાર કાઢ્યા. ત્યારબાદ તેઓએ પિતા અને પુત્રને કપડાં ઉતારીને રસ્તા પર માર માર્યો. પિતાને ભોંયરામાં નગ્ન કર્યા, જ્યારે પુત્રને રસ્તા પર નગ્ન કરવામાં આવ્યો અને મોં પર જૂતા અને લાતો મારી. વેપારી પરિવાર ગભરાટમાં છે.

પીડિત રાજેશ ગર્ગના ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને આખો પરિવાર આનંદમાં હતો. જોકે, ગુંડાઓની આ ક્રૂરતાએ તે આનંદને ભયમાં ફેરવી દીધો છે. એવું કહેવાય છે કે ઘટના પછીથી વેપારીના બંને પુત્રો ગુમ છે, અને તેમના માતાપિતાનો પણ કોઈ સંપર્ક થતો નથી.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે પાંચથી છ ગુંડાઓ એક યુવાનને તેના ઘરમાંથી બહાર કાઢે છે, તેને નગ્ન કરીને રસ્તા પર લાતો અને જૂતાથી મારે છે. આઘાતજનક વાત એ છે કે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પણ ગુંડાઓએ યુવાનને મારવાનુ ચાલુ રાખ્યું. વીડિયોમાં, એક પોલીસ કર્મચારી પીડિતને તેનું પેન્ટ આપતો જોવા મળે છે, પરંતુ પોલીસે કોઈ પણ આરોપીને રોકવાની કે પકડવાની હિંમત દાખવી નહીં.

શું છે મામલો?

પીડિત પક્ષના જણાવ્યા મુજબ, રાજેશ ગર્ગે પોતાના ઘરનુ બેસમેન્ટ એક કેરટેકરને જીમ ચલાવવા માટે આપ્યું હતું. આ કામ નફામાં ભાગીદારીના ધોરણે શરૂ કરવામાં આવ્યુ હતુ. પરિવારનો આરોપી સાથે લાંબા સમયથી સંબંધ હતો, પરંતુ હવે જીમના નફામાંથી હિસ્સો આપવાને બદલે, આરોપીઓ આખા ઘર પર કબજો કરવા માંગે છે.

પીડિતે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ન્યાય માટે અપીલ કરી છે. લક્ષ્મી નગર પોલીસ સ્ટેશને ઘરમાં ઘુસવા, હુમલો કરવા, દુર્વ્યવહાર અને ગંભીર શારીરિક નુકસાનની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે અત્યાર સુધી ફક્ત એક જ આરોપી પિન્ટુ યાદવની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી અને અન્ય સાથીઓ ફરાર છે. નામાંકિત આરોપીઓ વિકાસ યાદવ, શુભમ યાદવ, ઓમકાર યાદવ અને પિન્ટુ યાદવ છે.

આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં ONGC ગેસ લીકેજ થતા અનેક સ્થળોએ આગ લાગી, વિસ્તાર ખાલી કરવાનો આદેશ

Back to top button