ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

જાણો સસ્તા રશિયન ક્રૂડથી ભારતના કેટલા પૈસા બચ્યા? ગ્લોબલ રિસર્ચે જારી કર્યો રિપોર્ટ

નવી દિલ્હી, 29 ઓગસ્ટ, 2025: ભારતને રશિયાથી પ્રાપ્ત થતા સસ્તા ક્રૂડથી થતો ફાયદો જેટલો બતાવવામાં આવી રહ્યો છે એટલો મોટો નથી. CLSAના રિપોર્ટ અનુસાર વાર્ષિક ધોરણે આ લાભ ફક્ત 2.5 અબજ ડોલર (આશરે 21,894 કરોડ) છે. જે હકીકતમાં 10-25 અબજ ડોલરનો હોવાનું બતાવવામાં આવી રહ્યુ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે “રશિયન તેલથી મળતો ફાયદો મીડિયામાં દર્શાવવામાં આવેલા આંકડાઓ કરતાં ઘણો ઓછો છે.” CLSA અનુસાર, તે ભારતના GDPના માત્ર 0.6 ટકા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઇલ આયાતકાર અને ગ્રાહક દેશ છે.

યુક્રેન યુદ્ધ પછી, ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી (રશિયન ઓઇલ આયાત) વધારી હતી. પહેલા તે માત્ર 1 ટકા હતી, હવે તે વધીને લગભગ 40 ટકા થઈ ગઇ છે કેમ કે રશિયાએ ભારે ડિસ્કાઉન્ટ આપ્યું છે. પશ્ચિમી દેશોએ રશિયાને સજા આપવા માટે તેનો વેપાર બંધ કરી દીધો હતો.

36 ટકા આયાત ફક્ત રશિયાથી

જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરે છે, તો તેણે મર્યાદિત વિકલ્પો તરફ વળવું પડશે. આને કારણે, વૈશ્વિક ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 100 ડોલર સુધી પહોંચી શકે છે.

હાલમાં, ભારતની કુલ આયાત 5.4 મિલિયન બેરલ પ્રતિ દિવસના 36 ટકા રશિયાથી આવે છે. આ ઉપરાંત, ઇરાકથી 20%, સાઉદી અરેબિયા 14%, UAE 9% અને અમેરિકા 4% ઓઇલ આવે છે.

ભારતે પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો

ભારત કહે છે કે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવું એ કોઈપણ વૈશ્વિક કાયદાનું ઉલ્લંઘન નથી. યુરોપિયન યુનિયન (EU)એ તાજેતરમાં રશિયન ક્રૂડમાંથી બનેલા બળતણ પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ હજુ સુધી રશિયન ક્રૂડ ઓઇલ અથવા ફિનિશ્ડ ઓઇલ પર પ્રતિબંધ મૂક્યો નથી.

રશિયન તેલ ભારતને સસ્તા ઉર્જા સંસાધનો સુનિશ્ચિત કરે છે. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે ટીકા કરી છે કે ભારત આ તેલ સસ્તામાં ખરીદી રહ્યું છે અને યુરોપ જેવા અન્ય પ્રદેશોમાં વેચીને નફો કમાઈ રહ્યું છે.

માત્ર 2.5 અબજ ડોલરનો નફો

CLSA એ કહ્યું કે વાસ્તવિક નફો મીડિયામાં દર્શાવવામાં આવેલા ડિસ્કાઉન્ટ કરતા ઓછો છે. રશિયન ઓઇલ 60 ડોલરની મર્યાદા હેઠળ વેચાય છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડ 75 ડોલરથી ઉપર જાય છે, ત્યારે તે સસ્તું દેખાય છે. પરંતુ શિપિંગ, વીમા અને પુનર્વીમાનો ખર્ચ તેને ઘટાડે છે.

ભારતીય રિફાઇનરોને નાણાકીય વર્ષ 24માં બેરલદીઠ સરેરાશ 8.5 ડોલરનું ડિસ્કાઉન્ટ મળતું હતું. નાણાકીય વર્ષ 25માં તે ઘટીને 3-5 ડોલર થયુ હતુ અને તાજેતરના મહિનાઓમાં 1.5 ડોલર પ્રતિ બેરલ થયું છે. આનો અર્થ એ થાય કે વાર્ષિક નફો ફક્ત 2.5 અબજ ડોલર છે.

આ પણ વાંચોઃ સેબીએ આ કંપનીને આપી IPOની મંજૂરી, 1 અબજ ડોલર ઊભા કરવાની યોજના, BSE-NSE પર લિસ્ટ થશે? 

Back to top button