ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ટ્રમ્પને ભારતે ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો, અમેરિકાના F-35 વિમાનો નહીં ખરીદે

નવી દિલ્હી, 2 ઓગસ્ટ, 2025: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને દુનિયાના સૌથી અત્યાધુનિક અને મોંઘા તથા ખર્ચાળ ફાઈટર જેટ એફ-૩૫ ખરીદવા ઓફર કરી હતી, પરંતુ ભારતે આ વિમાનો ખરીદવા અમેરિકાને ઈનકાર કરી દીધો છે. એટલું જ નહીં ભારતે હાલ અમેરિકા સાથે અન્ય કોઈ સંરક્ષણ સોદા કરવાની ઓફર પણ ફગાવી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આમ ભારત પર ખરેખર 25 ટકા ટેરિફ લાદવાનું આ કારણ હોવાનું મનાય છે.

એક મીડિયા અહેવાલ મુજબ ભારતે જુલાઈમાં એક બેઠકમાં અમેરિકાને F-35 ફાઈટર જેટ ખરીદવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. F-35 સ્ટીલ્થ ફાઈટર જેટ દુનિયાના સૌથી આધુનિક ફાઈટર વિમાન છે, જે દુશ્મનના રડારથી બચી શકે છે. અનેક પ્રકારના હુમલા કરી શકે છે.

જોકે, તે સમયે પીએમ મોદીએ આ વિમાનો ખરીદવામાં કોઈ રસ બતાવ્યો ન હતો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરી 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોશિંગ્ટન મુલાકાત વખતે કહ્યું હતું કે, અમેરિકા આ વર્ષે ભારત તરફ અબજો ડોલરના સંરક્ષણ સોદા માટે હાથ લંબાવશે. આ સંરક્ષણ સોદામાં લોકહીડ માર્ટીને બનાવેલા પાંચમી પેઢીના F-35 સ્ટિલ્થ ફાઈટર જેટનો પણ સમાવેશ થાય છે. આ વિમાન દુનિયાના સૌથી અત્યાધુનિક ફાઈટર જેટ છે. જોકે, તે સમયે પીએમ મોદીએ આ વિમાનો ખરીદવામાં કોઈ રસ બતાવ્યો ન હતો.

અમેરિકા F-35નું સંપૂર્ણ ટેકનિકલ નિયંત્રણ ભારતને સોંપવા માગતું નથી

ફેબ્રુઆરીમાં પીએમ મોદીની વોશિંગ્ટન મુલાકાત પછી ભારતીય એરફોર્સના પ્રમુખ એર માર્શલ એપી સિંહને આ અંગે સવાલ કરાતા તેમણે કહ્યું હતું કે, F-35 ખરીદતા પહેલાં તેની કિંમત અને તેની જરૂરિયાતો અંગે સમજવું પડશે. સંરક્ષણ વિભાગના સૂત્રો મુજબ એફ-૩૫ નહીં ખરીદવા માટે ભારતના પોતાના કારણો છે. સૌથી મહત્વનું એક F-35ની કિંમત 80 મિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ. 670 કરોડ છે. સાથે જ તેનો મેઈન્ટેનન્સ ખર્ચ પણ ઊંચો હોય છે. વધુમાં અમેરિકા F-35નું સંપૂર્ણ ટેકનિકલ નિયંત્રણ ભારતને સોંપવા માગતું નથી. અન્ય એક મહત્વનું કારણ એ પણ છે કે હવે ડ્રોનના યુગમાં ભારતને પાયલટવાળા ફાઈટર જેટની ખરીદી માથે પડી શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે, ભારત માટે F-35 ખરીદવામાં અન્ય મોટો પડકાર એ છે કે ભારતીય એરફોર્સના પાયલટોએ અમેરિકન વિમાનો ક્યારેય ઉડાવ્યા નથી. ભારતીય એરફોર્સમાં રશિયન, ફ્રેન્ચ વિમાનો છે, જેની સાથે અમેરિકન વિમાનનો તાલમેલ બેસાડવો મુશ્કેલ છે. વધુમાં તેની જટિલતાઓના કારણે અનેક નિષ્ણાતો મુજબ આ ફાઈટર જેટ ભારત માટે યોગ્ય નથી.

મીડિયા અહેવાલ મુજબ મોદી સરકાર નજીકના ભવિષ્યમાં અમેરિકા સાથે કોઈ નવો સંરક્ષણ સોદો કરવા પણ તૈયાર નથી. વિદેશ મંત્રાલયે પણ શુક્રવારે કહ્યું હતું કે, ભારતને F-35 ફાઈટર જેટ વેચવા સંબંધે અમેરિકા સાથે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ એફ-૩૫ની ખરીદી નહીં કરવી એ ટ્રમ્પના ટેરિફ પાછળનું મૂળ કારણ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પનો યુ ટર્નઃ ભારત સહિત 71 દેશો પરની ટેરિફનો અમલ 7 દિવસ સુધી મુલતવી

Back to top button