ભારતીય સેનાનો લંકામાં કરિશ્મો: માત્ર 24 કલાકમાં તૈયાર કર્યો 100 ફૂટ લાંબો બેલી બ્રિજ, ‘ઓપરેશન સાગર બંધુ’ હેઠળ કામગીરી

નવી દિલ્હી: 6 જાન્યુઆરી, 2026: મુશ્કેલીના સમયમાં પડોશી દેશોની મદદ કરવામાં ભારત હંમેશા અગ્રેસર રહ્યું છે. શ્રીલંકામાં આવેલા ભયાનક ચક્રવાત અને ભૂસ્ખલન બાદ સર્જાયેલી તબાહી વચ્ચે ભારતીય સેનાના એન્જિનિયરોએ અદભૂત પરાક્રમ કર્યું છે. સેનાએ માત્ર એક જ દિવસમાં કેન્ડી જિલ્લામાં 100 ફૂટ લાંબો બેલી બ્રિજ બનાવીને પરિવહન ફરી શરૂ કરાવ્યું છે.
કલાકોની મુસાફરી હવે મિનિટોમાં
આ પુલ કેન્ડીના સેન્ટ્રલ પ્રાંતને ઉવા પ્રાંત સાથે જોડતા B-492 હાઈવે પર બનાવવામાં આવ્યો છે. અગાઉ જૂનો પુલ તૂટી જવાથી લોકોને 4 કલાકનો લાંબો ફેરો કરવો પડતો હતો, પરંતુ ભારતીય સેનાના આ નવા પુલને કારણે હવે આ મુસાફરી માત્ર 2 કલાકમાં પૂર્ણ થઈ શકશે. ખરાબ હવામાન અને પહાડી વિસ્તાર હોવા છતાં ભારતીય જવાનોએ માત્ર પુલ જ નહીં, પણ રસ્તાનું નિર્માણ પણ કરી બતાવ્યું છે.
‘ઓપરેશન સાગર બંધુ’ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
શ્રીલંકામાં માળખાગત સુવિધાઓ ઠપ થઈ જતાં ભારત દ્વારા ‘ઓપરેશન સાગર બંધુ’ શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલા સેનાએ જાફનામાં A-35 હાઈવે પર 120 ફૂટ લાંબો પુલ બનાવ્યો હતો. પુલ નિર્માણ માટે સ્વદેશી ડ્રોન અને લેસર ઉપકરણો જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી કામ ઝડપથી અને સુરક્ષિત રીતે પૂરું કરી શકાયું.
માત્ર પુલ જ નહીં, આર્થિક અને તબીબી સહાય પણ
ભારતે શ્રીલંકાને માત્ર સૈન્ય મદદ જ નહીં, પરંતુ માનવીય સહાય પણ પૂરી પાડી છે:
- રાહત સામગ્રી:1100 ટન રાહત સામગ્રી, દવાઓ અને મેડિકલ સાધનો મોકલવામાં આવ્યા છે.
- ફિલ્ડ હોસ્પિટલ:ભારતીય સેનાની મેડિકલ ટીમે ફિલ્ડ હોસ્પિટલ બનાવી હજારો લોકોની સર્જરી અને સારવાર કરી છે.
- મોટું આર્થિક પેકેજ:વિદેશ મંત્રી એસ. જયશંકરે શ્રીલંકાના પુનઃનિર્માણ માટે 450 મિલિયન યુએસ ડોલરના સહાય પેકેજની જાહેરાત કરી છે.
ભારતીય સેનાની આ ત્વરિત કામગીરીએ સાબિત કર્યું છે કે ભારત તેની ‘નેબરહુડ ફર્સ્ટ’ (પડોશી પ્રથમ) અને ‘વસુધૈવ કુટુંબકમ’ની નીતિને ચરિતાર્થ કરી રહ્યું છે.












