દીપ્તિ શર્માએ ઝુલન ગોસ્વામીનો રેકોર્ડ તોડ્યો, મહિલા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની

Deepti Sharma Creates History: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચી દીધો છે. દીપ્તિ શર્મા હવે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને T20) માં સંયુક્ત રીતે વિશ્વમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઈ છે. આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને તેણે ભારતની જ પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીના લાંબા સમયના રેકોર્ડને ધ્વસ્ત કર્યો છે.
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રચાયો ઇતિહાસ
મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી રોમાંચક મેચ દરમિયાન દીપ્તિ શર્માએ આ અદભુત સ્થાન મેળવ્યું હતું. મેચ પહેલા દીપ્તિને ઝુલન ગોસ્વામીની બરાબરી કરવા 1 વિકેટની જરૂર હતી. ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 10મી ઓવરના પ્રથમ જ બોલ પર દીપ્તિએ ઓપનર બેથ મૂનીને આઉટ કરીને ક્રિકેટ જગતમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું હતું. હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં દીપ્તિ શર્માના નામે સૌથી વધુ 356 વિકેટ થઈ ગઈ છે. આ યાદીમાં 355 વિકેટ સાથે ઝુલન ગોસ્વામી બીજા ક્રમે અને ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરી 336 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. 279મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલી દીપ્તિ શર્મા અત્યારે કરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. આ પૂર્વે 14 જૂને પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં પણ તેણે 5 વિકેટ ઝડપી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હરમનપ્રીત કૌરની તોફાની ફિફ્ટી
બીજી તરફ, આ મહત્વપૂર્ણ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે કેપ્ટન હરમનપ્રીત કૌરની વિસ્ફોટક બેટિંગની મદદથી 4 વિકેટે 170 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ભારતને ઓપનર સ્મૃતિ મંધાના (38) અને શેફાલી વર્મા (34) એ 66 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ મિડલ ઓવર્સમાં રન રેટ 7 રન પ્રતિ ઓવરથી નીચે સરકી ગયો હતો. મુશ્કેલ સમયમાં કેપ્ટન હરમનપ્રીત કૌરે મોરચો સંભાળ્યો હતો અને માત્ર 26 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. હરમનપ્રીતે 27 બોલમાં 56 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં મેચની છેલ્લી ઓવરમાં સતત 3 સિક્સર ફટકારીને કુલ 23 રન લૂંટ્યા હતા, જે ભારતને સન્માનજનક સ્કોર સુધી લઈ જવામાં નિર્ણાયક સાબિત થયા હતા.











