પરિવારથી પ્રેગનન્સી છુપાવી, 7માં મહિને દવાઓ ખાઈ લેતા અનમેરિડ યુવતી અને બાળકનું મોત

National News: મહારાષ્ટ્રના પુણેથી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. 22 વર્ષીય અપરિણીત મહિલાએ પોતાના પરિવારથી પોતાની ગર્ભાવસ્થા છુપાવી હતી. ઘરે બાળકને જન્મ આપ્યા બાદ વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે સારવાર દરમિયાન તેનું અને તેના નવજાત બાળકનું મૃત્યુ થયું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે.
ગર્ભાવસ્થાના સાતમા મહિનામાં ગોળીઓ ખાધી
પોલીસના જણાવ્યા મુજબ મહિલા લગભગ સાત મહિનાની ગર્ભવતી હતી, પરંતુ તેણે આ વાત તેના પરિવારથી છુપાવી રાખી હતી. જોકે 24 માર્ચ મંગળવારની સવારે તેણે ગર્ભપાતની ગોળીઓ લીધી હતી. થોડા સમય પછી તે બાથરૂમમાં ગઈ, જ્યાં તેને ભારે દુખાવો અને ક્તસ્રાવ થયો. તેણે ઘરે જ બાળકને જન્મ આપ્યો.
બાળક અને યુવતી થોડા કલાકોમાં જ મૃત્યુ પામ્યા
ઘટનાની જાણ થતાં પરિવાર ગભરાઈ ગયો અને તાત્કાલિક મહિલા અને નવજાત શિશુને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડોક્ટરોએ તેની ગંભીર હાલતને કારણે તેને સસૂન હોસ્પિટલ રિફર કરી. આ દરમિયાન નવજાત શિશુની હાલત પણ ગંભીર હોવાથી તેને વધુ સારી સારવાર માટે યશવંતરાવ ચવ્હાણ સ્મૃતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરોએ બંનેને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ થોડા કલાકોમાં જ પહેલા બાળક અને પછી મહિલાનું મોત નીપજ્યું હતું.
યુવતીના મોબાઇલ ફોનનું ફોર્મેટ
આ કેસમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક મહિલાનો મોબાઇલ ફોન ફોર્મેટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેનાથી અનેક પ્રશ્નો ઉભા થાય છે. પોલીસ ગર્ભાવસ્થાના કારણ તેને દવા ક્યાંથી મળી અને શું અન્ય કોઈ સંડોવાયેલ છે તેની તપાસ કરી રહી છે.
વધુ ખુલાસા થવાની શક્યતા
મૃતક મહિલા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે અને ખાનગી નોકરી કરતી હતી. તે છેલ્લા એક મહિનાથી ઘરે જ હતી. તેના પરિવારમાં તેની માતા, ભાઈ અને બહેનો છે. આ ઘટનાથી પરિવારમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે. હાલમાં ચિંચવડ પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને વધુ ખુલાસાઓ થવાની અપેક્ષા છે.
આ પણ વાંચોઃ અમદાવાદ: મર્સિડીઝ ગાડીમાંથી કોહવાયેલો મૃતદેહ મળ્યો, LJ કોલેજ પાસે 6 મહિનાથી પાર્ક હતી કાર












