ભારતમાં 94% લોકો AI ના વપરાશકર્તા, પરંતુ માત્ર 20% લોકો જ બનાવી શકે છે નવા એઆઈ ટૂલ્સ

Upgrad Skill Shift Report: ભારતમાં Artificial Intelligence નો ઉપયોગ હવે માત્ર ટેક્નોલોજી ઉદ્યોગ પૂરતો સીમિત રહ્યો નથી. સામાન્ય ઓફિસ કામકાજથી લઈને જટિલ સંશોધન અને રોજિંદા કાર્યોમાં કર્મચારીઓ AI ટૂલ્સનો ઉપયોગ ઝડપથી વધારી રહ્યા છે. જોકે, તાજેતરમાં સામે આવેલા એક અહેવાલમાં ભારતની AI સફરનો એક નવો અને આંખ ઉઘાડનારો દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે AI નો ઉપયોગ કરનારા અને તેને વિકસાવનારા વચ્ચે હજુ પણ મોટો તફાવત વિદ્યમાન છે.
ભારતના ભવિષ્યના રોજગાર બજારની ઝાંખી
તાજેતરમાં “સ્કિલ શિફ્ટ – ભારતના એઆઈ સ્કિલિંગ પર વાર્ષિક અહેવાલ” જાહેર કરવામાં આવ્યો છે. ભારતના વિવિધ શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કામ કરતા 2,075 વ્યાવસાયિકો વચ્ચે હાથ ધરાયેલા આ સર્વેમાં ભારતના ભવિષ્યના કૌશલ્ય અને રોજગાર બજારનું અત્યંત સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર, દેશના શ્રમબળમાં AI ને અપનાવવાની ગતિ ખૂબ તેજ છે પરંતુ તકનીકી ઊંડાણની દ્રષ્ટિએ હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
ઉપયોગ કરનારા વધારે, પરંતુ નવું સર્જન કરનારા ઓછા
સર્વેક્ષણના આંકડા અનુસાર, 94% વ્યાવસાયિકો પોતાના રોજિંદા કામકાજમાં કોઈને કોઈ રીતે AI ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, જ્યારે AI નો ઉપયોગ કરીને નવું સોફ્ટવેર કે ઉકેલ બનાવવાની વાત આવે છે ત્યારે આ આંકડો તળિયે પહોંચી જાય છે. માત્ર 26% લોકોએ જ AI ને અન્ય થર્ડ-પાર્ટી સાધનો અથવા API સાથે સાંકળીને નવીનતા લાવવા માટે પ્રયાસ કર્યો છે. તેથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે, પોતાના માટે અથવા કંપની માટે AI-સંચાલિત ઓટોમેશન, એપ્લિકેશન્સ કે સ્વતંત્ર AI એજન્ટ્સ વિકસાવવાની ક્ષમતા માત્ર 20% લોકો પાસે જ છે. આ દર્શાવે છે કે આપણે કમાન્ડ આપીને કામ કરાવવામાં આગળ છીએ, પણ પાયામાંથી નવી ટેકનોલોજી ઊભી કરવામાં હજુ પાછળ છીએ.
ઔપચારિક શિક્ષણ અને અપસ્કિલિંગનું મહત્વ
અહેવાલમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જે લોકોએ ઔપચારિક રીતે AI નો અભ્યાસ કર્યો છે અથવા અપસ્કિલિંગ પ્રોગ્રામ્સમાં ભાગ લીધો છે, તેઓમાં AI એજન્ટ્સ અને નવા સોફ્ટવેર બનાવવાની ક્ષમતા વધારે જોવા મળી છે. ઔપચારિક તાલીમ લેનારા શીખનારાઓમાંથી 27% લોકોએ એઆઈ એજન્ટ્સ બનાવવાની દિશામાં સફળતા મેળવી છે, જ્યારે કોઈ પણ તાલીમ ન લેનારા જૂથમાં આ પ્રમાણ માત્ર 10% જ હતું. એટલે કે, યોગ્ય તાલીમ મેળવનાર વ્યક્તિ નવીનતમ એઆઈ સાધનો વિકસાવવાની 2.7 ગણી વધુ સંભાવના ધરાવે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કારકિર્દી નિર્માણમાં AI શિક્ષણ અનિવાર્ય બન્યું
આજનો કર્મચારી વર્ગ ભવિષ્યની જરૂરિયાતોને ખૂબ સારી રીતે સમજી રહ્યો છે. સર્વેમાં ભાગ લેનારા 87% વ્યાવસાયિકોએ સ્વીકાર્યું હતું કે તેઓ કાં તો AI કોર્સમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે, અથવા ટૂંક સમયમાં AI શીખવાનું આયોજન કરી રહ્યા છે. AI નું જ્ઞાન હવે માત્ર વધારાનું કૌશલ્ય નથી રહ્યું, પરંતુ કારકિર્દીના આયોજન અને પ્રમોશન માટે એક અનિવાર્ય લાયકાત બની ગયું છે.
યુવાનો કરતાં અનુભવી વ્યાવસાયિકો શિક્ષણમાં આગળ
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે નવી ટેકનોલોજી યુવાનો અથવા ફ્રેશર્સ ઝડપથી અપનાવે છે, પરંતુ આ અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અહેવાલ મુજબ, 8 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા 31% સીનિયર વ્યાવસાયિકો દર અઠવાડિયે ઓછામાં ઓછા 3 કલાક AI શીખવામાં વિતાવે છે. જેની સામે કરિયરની શરૂઆત કરનારા માત્ર 15% ફ્રેશર્સ જ આટલો સમય AI શિક્ષણને આપે છે. આ બાબત સાબિત કરે છે કે અનુભવી કર્મચારીઓ પોતાની જાતને માર્કેટમાં પ્રાસંગિક રાખવા માટે વધુ ગંભીર છે.
ભવિષ્યનો સાચો પડકાર: વપરાશકર્તામાંથી નિર્માતા બનવું
ભારત ઝડપથી AI ના પ્રાથમિક દૌરને પાર કરી રહ્યું છે. હવે પછીનો સાચો પડકાર કર્મચારીઓને માત્ર ટાઈપિંગ કે કોપી-પેસ્ટ ટાસ્ક પૂરતા AI યુઝર્સ રાખવાને બદલે, તેમને વાસ્તવિક કોડિંગ, ઓટોમેશન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરનારા ‘AI બિલ્ડર્સ’ બનાવવા માટે સશક્ત કરવાનો છે. આવનારા સમયમાં એઆઈ નો માત્ર ઉપયોગ કરતાં આવડવું પૂરતું નહીં હોય, પરંતુ એઆઈને અન્ય સિસ્ટમ સાથે સંકલિત કરીને જટિલ સમસ્યાઓ ઉકેલવાની કળા જ ભારતીય આઈટી અને ટેક વર્કફોર્સને વૈશ્વિક સ્તરે અગ્રેસર રાખશે.
આ પણ વાંચો: ચીનમાં ઉભો થયો વિચિત્ર ધંધો, માહિતી લીક કરીને કમાણી











