ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ભારતે સ્ટીલ પર લગાવી 12 ટકા હંગામી ટેરિફ, 200 દિવસ સુધી રહેશે લાગુ

નવી દિલ્હી, 22 એપ્રિલ, 2025: ભારતે નિરંકુશ આયાતને રોકવા માટે ભારતે કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર 12 ટકાની હંગામી અસ્થાયી ટેરિફ લાદી છે. આ ટેરિફ સ્થાનિક સ્તરે સેફ ગાર્ડ ડ્યૂટી તરીકે ઓળખાય છે. સરકારે સોમવારે આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું હતું. આ નિર્ણય અંગે કેન્દ્રીય સ્ટીલ મંત્રી એચડી કુમારસ્વામીએ સોમવારે જણાવ્યું હતું કે અમુક સ્ટીલ ઉત્પાદનોની આયાત પર 12 ટકા સેફગાર્ડ ડ્યુટી લાદવાના સરકારના નિર્ણયથી સ્થાનિક ઉત્પાદકોને રાહત મળશે, મુખ્યત્વે SME, જેઓ વધતી આયાતને કારણે ભારે દબાણનો સામનો કરી રહ્યા છે.

ક્રૂડ સ્ટીલના વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક ભારતે જણાવ્યું હતું કે સોમવારથી અસરમાં આવતી ટેરિફ 200 દિવસ માટે લાદવામાં આવશે. આ નોટિફિકેશન હેઠળ લાદવામાં આવેલી સેફગાર્ડ ડ્યુટી આ નોટિફિકેશનના પ્રકાશનની તારીખથી 200 દિવસના સમયગાળા માટે અસરકારક રહેશે એમ નાણા મંત્રાલયે જણાવ્યું હતું.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એપ્રિલમાં વિવિધ દેશો સામે વ્યાપક ટેરિફ લાદ્યા પછી સ્ટીલ ડ્યુટીમાં વધારો એ ભારત દ્વારા પ્રથમ મુખ્ય વેપાર નીતિ પગલું છે. ભારતની ટેરિફ મુખ્યત્વે ચીનને ધ્યાનમાં રાખીને લાદવામાં આવી છે, જે 2024-25માં દક્ષિણ કોરિયા પછી ભારતમાં સ્ટીલનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ હતો. સરકારના કામચલાઉ ડેટા અનુસાર, ભારતે FY24-25માં સતત બીજા વર્ષે 9.5 મિલિયન ટન ફિનિશ્ડ સ્ટીલની આયાત કરી હતી, જે નવ વર્ષમાં સૌથી વધુ છે. ભારતના સ્ટીલ ઉત્પાદકોએ સરકાર પાસે નિરંકુશ આયાતને અંકુશમાં લેવાની માંગ કરી હતી.

સ્થાનિક ઉત્પાદકોને રાહત મળશે

કેન્દ્રીય સ્ટીલ પ્રધાન એચડી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે આ પગલાથી સ્થાનિક ઉત્પાદકોને રાહત મળશે, ખાસ કરીને નાના અને મધ્યમ કદના ઉદ્યોગો, જેઓ વધતી આયાતથી ભારે દબાણનો સામનો કરી રહ્યા છે. સેફગાર્ડ ડ્યુટી બજારમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં અને સ્થાનિક ઉદ્યોગનો વિશ્વાસ મજબૂત કરવામાં મદદ કરશે. સ્ટીલ મંત્રાલયના નિવેદન અનુસાર, મંત્રીએ કહ્યું કે સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોને વધતી આયાતની પ્રતિકૂળ અસરથી બચાવવા અને બજારમાં વાજબી સ્પર્ધા સુનિશ્ચિત કરવા માટે આ પગલું સમયસરનું અને જરૂરી પગલું છે. તેમણે જણાવ્યું હતું કે સ્ટીલ મંત્રાલય સ્થાનિક સ્ટીલ ક્ષેત્ર મજબૂત, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રહે તેની ખાતરી કરવા માટે તમામ હિતધારકો સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે.

ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનના પ્રમુખ નવીન જિંદાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ચોક્કસ સ્ટીલ ઉત્પાદનો પર 12 ટકાની સેફગાર્ડ ડ્યુટી લાદવાના સરકારના નિર્ણયને આવકારીએ છીએ. આ મહત્વપૂર્ણ પગલું ભારતીય ઉત્પાદકોને અન્યાયી નિકાસથી સુરક્ષિત કરશે, સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવામાં મદદ કરશે અને આત્મનિર્ભર ભારત તરફ અમારી કૂચને આગળ ધપાવશે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને સ્ટીલ ક્ષેત્રને સમર્થન આપવા બદલ આભાર માનીએ છીએ.”

આ પણ વાંચોઃ શુક્રનું શનિના નક્ષત્રમાં ગોચર, આ રાશિઓને થશે ધનલાભ

Back to top button