
શું તમે ઘણા સમયથી ઓછા ખર્ચે વિદેશમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારી આ ઈચ્છા પૂરી થશે. કારણકે IRCTC તમારા માટે સપના જેવુ લાગતુ સ્પેશિયલ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજની શરૂઆત 18 માર્ચથી થશે. આ ઓફર 22 માર્ચ સુધી જ વેલિડ રહેશે. આ પેકેજમાં તમે બેંગ્લોરથી કોલકત્તા અને પછી થાઈલેન્ડ સુધીની મુસાફરી કરી શકો છો. આ પેકેજમાં તમને આવવા-જવા માટે એર ટિકિટ પણ મળશે. પેકેજમાં એર ટિકિટની સાથે સાથે હોટલ અને ખાવા-પીવાનો ખર્ચો પણ શામેલ છે. હાં, તમારા પર્સનલ ખર્ચા જાતે કાઢવાના રહેશે. આખુ પેકેજ 5 દિવસ અને 4 રાતનું છે. જેમા તમે થાઈલેન્ડ, બેંકોક અને પટાયાની મુસાફરી કરી શકો છો.
કેવી રીતે મેળવી શકશો લાભ ?
આ લાભ લેવા માટે તમારે IRCTCની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને બુકિંગ કરાવી શકો છો. IRCTC તરફથી મળતા આ પેકેજમાં રહેવા, ખાવા, પીવા તથા અવર-જવર જેવી સુવિધા સાવ સસ્તા ભાવે આપવામાં આવે છે. એક વ્યક્તિ દીઠ 55900 રૂપિયા તથા બે વ્યક્તિ દીઠ 47750 રૂપિયા જેટલો ખર્ચો આવે છે.

ગુજરાતમાં પણ IRCTC કરાવનાર છે શ્રેષ્ઠ સ્થાનોની મુસાફરી
ભારતીય રેલવે દ્વારા ભારત ગૌરવ ડિલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન શરૂ કરવાની યોજના બનાવી છે. જેમાં ગુજરાતના વિવિધ સ્થળો પર યાત્રા માટે 28 ફેબ્રુઆરીએ દિલ્હી સફદરજંગ સ્ટેશનથી શરૂ થશે. આ ટ્રેન પ્રવાસ સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત ભારત સરકારની IRCTC દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ યોજના હેઠળ ભારતના વાઇબ્રન્ટ ગુજરાતના વારસાને પ્રદર્શિત કરવા માટે બનાવવામાં આવેલ છે. ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી ક્લાસ સાથેની અત્યાધુનિક ભારત ગૌરવી ડીલક્સ એસી ટૂરીસ્ટ ટ્રેન 8 દિવસ માટે તમામ પ્રવાસ માટે ચલાવવામાં આવશે અને 3500 કિલોમીટરનું અંતર કાપશે.

ડીલક્સ AC ટૂરિસ્ટ ટ્રેન
રેલ યાત્રાના આ પેકેજનું પ્રથમ સ્ટોપેજ કેવડિયા ખાતે રાખવામાં આવ્યું છે, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રવાસી ટ્રેનમાં 4 ફર્સ્ટ એસી કોચ, 2 સેકન્ડ એસી કોચ, એક સુસજ્જ પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. જેમાં એક સાથે 156 પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય યાત્રાધામો અને હેરિટેજ સ્થળો એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણ પ્રવાસના મુખ્ય આકર્ષણો હશે.












