કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ક્ષત્રિય આંદોલનથી લાઈમ લાઈટ્સમાં આવેલા પદ્મિનીબા વાળા સામે હનીટ્રેપની ફરિયાદ

રાજકોટ, 19 એપ્રિલ, 2025 : લોકસભા 2024ની ચૂંટણી વખતે ક્ષત્રિય આંદોલનના લીધે લાઈમ લાઇટ્સમાં આવેલા પદ્મિનીબા વાળા સામે ગોંડલના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવવાનો આક્ષેપ લાગ્યો છે. એક યુવતી અને પદ્મિનીબાન પુત્ર સહિતના શખસો સામે આ અંગે ગોંડલ પોલીસમાં ફરિયાદ થઈ છે.

યુવતીએ સરનામું પૂછી નંબર મેળવ્યા

મળતી માહિતી મુજબ, ગોંડલના જેતપુર રોડ પર રહેતા 80 વર્ષીય વૃદ્ધે ગોંડલ પોલીસ સ્ટેશનમાં તેજલ નામની યુવતી તથા પદ્મિનીબા વાળા અને તેના દીકરા ઉપરાંત શ્યામ અને હીરેન નામના શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગોંડલમાં 15 દિવસ પહેલા ઘર પાસે બેઠા હતા ત્યારે રિક્ષામાં તેજલ નામની યુવતી આવી હતી અને સરનામું પૂછ્યા બાદ થોડીવાર પછી પરત આવીને વાતચીતથી વિશ્વાસ કેળવી મોબાઈલ નંબર લઈ ગઈ હતી.

વીડિયો કોલ કરી અશ્લિલ હરકતો કરી

બીજા દિવસે એ યુવતીએ ફોન કર્યો અને મારી ઘરવાળો મરી ગયો છે, હું ખુબ દુઃખી છું, કંઈક મદદ કરો, મારું દેવું ભરી દો, નહીંતર હું દવા પીને મરી જઈશ જેવી વાતો કરી હતી. બાદમાં બે-ત્રણ દિવસ બન્ને વચ્ચે વાતો ચાલી હતી અને વીડિયો કોલમાં અશ્લિલ હરકતો થઇ હતી.

મામલો પતાવવા રૂપિયા માંગ્યા

આ દરમિયાન ત્રણ દિવસ પહેલાં 16મીએ રાત્રે વૃદ્ધને પદ્મિનીબા વાળાએ ફોન કર્યો અને તેજલબેન વિશે વાતચીત કરવાનું કહીને ધમકી આપી હતી. પછી તેમને ફોન ઉપાડવાનું બંધ કરતા યુવતી અને પોતાના પુત્ર તથા અન્ય બે યુવકો સાથે વૃદ્ધના ઘરે ધસી આવીને ત્રણ કલાક માથાકૂટ કરી મવડી ઓફિસે આવી રૂ. 7-8 લાખમાં પતાવટ કરી જવા ધમકી આપી જતા રહ્યા હતાં. પરિણામે ગભરાઈ ગયેલાં વૃદ્ધે શુક્રવારે ગોંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ પણ વાંચો :- કેનેડામાં ભારતીય વિદ્યાર્થીનીની ગોળી મારી હત્યા, બસની રાહ જોતી વખતે થયું હતું ફાયરિંગ

Back to top button