ટ્રેન્ડિંગનેશનલ

અમૃતસરમાં ફિલ્મી ડ્રામા: જેલ લઈ જતા હતા ત્રણ કેદીઓને, અચાનક પોલીસની ગાડી લઈને ભાગી ગયા

પંજાબઃ 13 જાન્યુઆરી, 2026: પંજાબના અમૃતસરના રાણી કા બાગ વિસ્તારમાં ત્રણ કેદીઓએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા માટે પોલીસ વાહન જ ચોરી કરવાનો સનસનીખેજ પ્રયાસ કર્યો હતો. જોકે, તેમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને ગાડી અકસ્માતનો ભોગ બની હતી.

પોલીસની બેદરકારીનો મળ્યો ફાયદો

મળતી માહિતી મુજબ, થાણા ઝંડેર દેહાતની પોલીસ ટીમ કેદીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ લઈ જઈ રહી હતી. રસ્તામાં પોલીસ વાહનનો ચાલક બાથરૂમ જવા માટે નીચે ઉતર્યો હતો, પરંતુ ઉતાવળમાં તે ગાડીની ચાવી અંદર જ ભૂલી ગયો હતો. આ તકનો લાભ ઉઠાવીને હથકડીઓ અને સાંકળોથી જકડાયેલા ત્રણેય કેદીઓએ વાહન ચલાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ કર્મચારીઓને સાંકળોથી બાંધ્યા

આરોપીઓએ ગાડીમાં હાજર અન્ય પોલીસ કર્મચારીઓને સાંકળોથી બાંધી દીધા હોવાનો પણ આરોપ છે. કેદીઓ ગાડી લઈને થોડે દૂર પહોંચ્યા જ હતા કે અંદર રહેલા પોલીસ કર્મચારીઓ અને આરોપીઓ વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ હતી. ઝપાઝપીને કારણે વાહન પરનું સંતુલન ખોરવાઈ ગયું હતું.

ઈનોવા કાર સાથે જોરદાર ટક્કર

સંતુલન ગુમાવતા પોલીસ વાહન સામેથી આવતી એક ઈનોવા કાર સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે પોલીસ વાહનના એરબેગ્સ ખુલી ગયા હતા અને ગાડીને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ સમયસૂચકતા વાપરીને પોલીસે ત્રણેય આરોપીઓને ફરીથી કાબૂમાં કરી લીધા હતા.

નવો ગુનો અને તપાસના આદેશ

આરોપીઓ સામે ફરાર થવાનો પ્રયાસ અને સરકારી કામમાં અવરોધ ઊભો કરવા બદલ નવી FIR નોંધવામાં આવી છે. પોલીસ વાહનના ડ્રાઈવરની ગંભીર બેદરકારી બદલ આંતરિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

 

Back to top button