IMD Alert : 16 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMDએ આપી ચેતવણી
IMD Alert : દેશભરમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય (ધમાકેદાર બેટિંગ) કરી રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ વરસાદ અંગે એક તાજેતરનું મોટું અપડેટ જારી કરીને દેશના અનેક ભાગોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન અનુસાર, હાલમાં મધ્ય ઉત્તર પ્રદેશના ઉત્તરીય ભાગો પર એક શક્તિશાળી લો-પ્રેશર એરિયા (નીચા દબાણનો વિસ્તાર) સક્રિય થયો છે. આ ચોમાસુ સિસ્ટમની સીધી અસર ઉત્તર અને મધ્ય ભારતના હવામાન પર જોવા મળી રહી છે.
હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 16 જુલાઈ સુધી દેશના જુદા-જુદા વિસ્તારો માટે વરસાદની વિગતવાર આગાહી અને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એકતરફ ઉત્તર, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં આકાશી આફત જેવા મુશળધાર વરસાદનો દોર યથાવત રહેશે. બીજી તરફ, આગામી 6 થી 7 દિવસો દરમિયાન મધ્ય અને દક્ષિણ ભારતના દ્વીપકલ્પ વિસ્તારોમાં વરસાદની ગતિ ધીમી પડવાની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો સાર્વત્રિક વરસાદ
મેઘતાંડવ (અતિભારે વરસાદ): ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં રેકોર્ડબ્રેક વરસાદ (221 સેમી સુધી) ખાબક્યો છે.
અતિશય ભારે વરસાદ: પૂર્વ મધ્ય પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મેઘાલય, સિક્કિમ, બિહાર, હરિયાણા અને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળમાં 12થી 20 સેમી જેટલો વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદ: પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ત્રિપુરા અને ગંગા પશ્ચિમ બંગાળમાં 7 થી 11 સેમી વરસાદ પડ્યો છે.
ગાજવીજ અને પ્રચંડ પવન: પૂર્વી મધ્યપ્રદેશમાં 60 થી 80 કિમી/કલાકની તીવ્ર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ ઉપરાંત આંદામાન-નિકોબાર, ઓડિશા, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ યુપી, રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત, કચ્છ, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, રાયલસીમા, તેલંગાણા અને કર્ણાટકના આંતરિક વિસ્તારોમાં 40 થી 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
પૂર્વોત્તર રાજ્યો: આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ
10થી 16 જુલાઈ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા સહિતના સાતેય પૂર્વોત્તર રાજ્યો (સેવન સિસ્ટર્સ) માં વાવાઝોડા સાથે અવિરત ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને ૧૦ જુલાઈએ અરુણાચલ પ્રદેશમાં અને ૧૦-૧૧ જુલાઈએ આસામ, મેઘાલય અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. ત્યારબાદ ૧૨ થી ૧૬ જુલાઈ સુધી અહીં મધ્યમથી ભારે વરસાદનો ક્રમ ચાલુ રહેશે.
પશ્ચિમ ભારત (ગુજરાત અને મહારાષ્ટ્ર)
10થી 16 જુલાઈ દરમિયાન કોંકણ અને ગોવાના વિસ્તારોમાં અનરાધાર વરસાદ ચાલુ રહેશે.
જો કે, આ જ સમયગાળા દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, તેમજ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ચોમાસું થોડું ધીમું પડશે અને માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં જ હળવા વરસાદી ઝાપટાં પડવાની ધારણા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દક્ષિણ ભારત
10 થી 16 જુલાઈ દરમિયાન દરિયાકાંઠાના કર્ણાટકમાં અતિભારે વરસાદની ચેતવણી છે.
કેરળ, માહે અને લક્ષદ્વીપના વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડી શકે છે, ત્યારબાદ ૧૨ થી ૧૬ જુલાઈ વચ્ચે કેરળમાં માત્ર છૂટાછવાયા સ્થળોએ જ વરસાદ જોવા મળશે.
આજે દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો :ઓફિસના અઘરા કામો હવે ચપટીમાં: OpenAI એ લોન્ચ કર્યું શક્તિશાળી ‘ChatGPT Work’
આ પણ વાંચો :હિમાચલમાં 15 જુલાઈ સુધી ભારે વરસાદનો કહેર, અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ











