નેશનલ

હાઈ-પ્રોફાઇલ વિવાદનો સુખદ અંત, PCS અધિકારીએ પતિ સાથે રહેવાનો લીધો નિર્ણય

Happy ending to a high-profile controversy: ઉત્તર પ્રદેશની ચર્ચિત PCS અધિકારી જ્યોતિ મૌર્ય અને તેમના પતિ આલોક મૌર્ય વચ્ચે છેલ્લા લગભગ અઢી વર્ષથી ચાલતો વિવાદ હવે સમાપ્ત થયો છે. બંનેએ સહમતીથી ફરી સાથે રહેવાનો નિર્ણય લીધો છે, જેના કારણે લાંબા સમયથી ચાલતા વિવાદને સુખદ અંત મળ્યો છે.

મળતી માહિતી મુજબ, જ્યોતિ મૌર્યને તાજેતરમાં પ્રમોશન મળ્યું છે અને તેમની પોસ્ટિંગ નોઇડામાં થઈ છે. હાલ તેઓ અને આલોક મૌર્ય સાથે રહે છે. આલોક મૌર્ય હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છે અને પોતાના ભવિષ્યને નવી દિશા આપવા પ્રયત્ન કરી રહ્યા છે.

કેવી રીતે શરૂ થયો હતો વિવાદ?

આ સમગ્ર મામલો 2010માં થયેલા લગ્નથી શરૂ થાય છે. શરૂઆતમાં બંનેનું દાંપત્ય જીવન સામાન્ય હતું, પરંતુ 2015માં જ્યોતિ મૌર્ય PCSમાં પસંદ થઈ SDM તરીકે નિમણૂક થયા બાદ બંનેના સંબંધોમાં તણાવ વધવા લાગ્યો. જ્યોતિના કારકિર્દીમાં ઝડપથી થયેલી પ્રગતિ અને આલોકની નોકરી વચ્ચેનું અંતર સંબંધોમાં ભેદ ઉભો કરતું ગયું. આલોકે દાવો કર્યો હતો કે જ્યોતિની તૈયારીમાં તેમનો મોટો ફાળો હતો, પરંતુ સફળતા પછી તેમને અવગણવામાં આવ્યા. બીજી તરફ, જ્યોતિ અને તેમના પરિવાર તરફથી પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આરોપ-પ્રત્યારોપ અને તપાસ

વિવાદ સમય જતાં જાહેર મંચ સુધી પહોંચ્યો. આલોક મૌર્યએ જ્યોતિ પર ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર સંપત્તિના આક્ષેપો કર્યા અને તપાસની માંગણી કરી. સાથે જ અન્ય અધિકારી સાથે સંબંધ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં આલોકે પોતાની ફરિયાદ પાછી ખેંચી લેતા તપાસ સમાપ્ત કરી દેવામાં આવી.

સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા

આ કેસ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ક્યારેક લોકો જ્યોતિના સમર્થનમાં આવ્યા તો ક્યારેક આલોકના પક્ષમાં અવાજ ઉઠ્યો. આ સમગ્ર ઘટનાક્રમે સમાજમાં સંબંધો અને સફળતા વચ્ચેના સંતુલન વિશે અનેક પ્રશ્નો ઉભા કર્યા. લાંબા સમય સુધી ચાલેલા મતભેદો બાદ બંનેએ પરિપક્વતા દાખવીને ફરી સાથે રહેવાનો નિર્ણય લીધો છે. સૂત્રો અનુસાર, પરિવારજનો અને નજીકના લોકોની પહેલથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ધીમે ધીમે મતભેદો દૂર થયા. આ નિર્ણય માત્ર બે વ્યક્તિઓ માટે નહીં, પરંતુ બંને પરિવાર માટે પણ રાહતરૂપ બન્યો છે, જે લાંબા સમયથી આ વિવાદને કારણે માનસિક તણાવમાં હતા.

આ પણ વાંચો: અમદાવાદ-રાજકોટ-વડોદરા RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી, તાત્કાલિક કચેરીઓ ખાલી કરાવી

 

Back to top button