ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત: 135 તાલુકામાં વરસાદ, બાલાસિનોર-કઠલાલમાં 3-3 ઇંચ; દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહીસાગર જિલ્લાના બાલાસિનોર અને ખેડા જિલ્લાના કઠલાલમાં 3-3 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના વઘઈમાં સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અન્ય 12 તાલુકામાં પણ એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ પણ હવે સામાન્ય કરતાં થોડો વધુ નોંધાયો છે. અત્યાર સુધીમાં સરેરાશ 494.5 મિમી એટલે કે 19.44 ઇંચ વરસાદ થવો જોઈએ, તેની સામે 501.6 મિમી એટલે કે 19.72 ઇંચ વરસાદ નોંધાયો છે. એટલે રાજ્યમાં અત્યાર સુધીનો વરસાદ સરેરાશ કરતાં લગભગ 1 ટકા વધુ છે.
વહેલી સવારથી 29 તાલુકામાં વરસાદ
આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અલગ-અલગ વિસ્તારોમાં 1 મિમીથી લઈને 9 મિમી સુધી વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે.
વરસાદી માહોલને કારણે અનેક વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે અને વાતાવરણમાં ઠંડક વધી છે.
દમણમાં એક જ દિવસમાં 4.4 ડિગ્રી તાપમાન ગગડ્યું
13 અને 14 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મુખ્ય શહેરોના મહત્તમ તાપમાનમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.
13 ઓગસ્ટે 34 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ રહેલા દમણનું તાપમાન 14 ઓગસ્ટે સીધું 4.4 ડિગ્રી ઘટીને 29.6 ડિગ્રી થઈ ગયું હતું.
આ ઉપરાંત કંડલામાં 2 ડિગ્રી, ડીસામાં 1.5 ડિગ્રી અને ભૂજમાં 1.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
સુરેન્દ્રનગર અને ઓખામાં તાપમાન વધ્યું
બીજી તરફ કેટલાક શહેરોમાં તાપમાનમાં વધારો પણ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 29.3 ડિગ્રીથી વધીને 31 ડિગ્રી થયું, એટલે 1.7 ડિગ્રીનો વધારો નોંધાયો.
ઓખામાં તાપમાન 29.6 ડિગ્રીથી વધીને 31.4 ડિગ્રી થયું, એટલે 1.8 ડિગ્રીનો ઉછાળો નોંધાયો.
અમદાવાદમાં 31.9 ડિગ્રી, ભાવનગરમાં 31.8 ડિગ્રી, અમરેલીમાં 30.9 ડિગ્રી અને પોરબંદરમાં 32.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
સુરત સતત બીજા દિવસે સૌથી ઠંડુ
14 ઓગસ્ટે 32.6 ડિગ્રી સાથે પોરબંદર અને 32.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યના સૌથી ગરમ શહેરોમાં સામેલ રહ્યા.
જ્યારે સુરત બંને દિવસે અનુક્રમે 28.5 અને 28.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું. વડોદરામાં 30.8 ડિગ્રી અને દ્વારકામાં 30 ડિગ્રી તાપમાન સ્થિર રહ્યું.
ઓવરઓલ રીતે 14 ઓગસ્ટે મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો નીચે આવ્યો અને વરસાદી વાતાવરણને કારણે ઠંડક વધી.
રાજ્યમાં છ હવામાન સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાત અને આસપાસના વિસ્તારમાં છ અલગ-અલગ હવામાન સિસ્ટમ સક્રિય છે.
તેમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય એક ટ્રફ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ તમામ સિસ્ટમની સંયુક્ત અસરને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ
હવામાન વિભાગે આજે 15 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
દમણ, દાદરા અને નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
લોકોને ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાતા માર્ગો પર સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી
16 અને 17 ઓગસ્ટ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ અને વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે માછીમારોને આ બે દિવસ દરમિયાન દરિયો ન ખેડવા અને જરૂરી સાવચેતી રાખવા જણાવ્યું છે.
રાજ્યમાં એકસાથે અનેક સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: ભારત-શ્રીલંકા ટેસ્ટ સિરીઝનો ગૉલમાં પ્રારંભ, ટોસ જીતી ટીમ ઇન્ડિયાની પ્રથમ બેટિંગ












