વડોદરામાં ઓનલાઈન જુગાર રેકેટનો પર્દાફાશ, દંપતી સહિત 5ની ધરપકડ

Gujarat News: વડોદરા જિલ્લામાં સોશિયલ માધ્યમોના ઉપયોગથી ચલાવવામાં આવતી પ્રતિબંધિત જુગાર અને સટ્ટાબાજીની પ્રવૃત્તિઓનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભાયલી ગામ વિસ્તારમાં આવેલ સિધ્ધિ વિનાયક સોપાન ફ્લેટ નંબર એ-504 નંબરમાંથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ દરોડો પાડી સ્થળ પરથી દંપતી સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1.87 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાં દર્શન જેઠવા, જોકિમ મેકવાન, શેખર કશ્યપ, ધ્રુતિ જોકિમ મેકવાન અને આરિફ પટેલનો સમાવેશ થાય છે.
તપાસ દરમ્યાન સામે આવ્યું છે કે આ સમગ્ર નેટવર્કનું સંચાલન દુબઈથી છત્તીસગઢના રાયપુરનો હર્ષિત ઉર્ફે બ્રહ્મા કરતો હતો. તે સ્થાનિક લોકોની મદદથી સમગ્ર ગેરકાયદેસર ગતિવિધિઓને સંચાલિત કરતો હતો. આરોપીઓ નાગરિકોના બેંક ખાતા ખોલાવીને તેનો ઉપયોગ જુગાર રમાડવા માટે કરતા હતા.આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વિવિધ પ્રકારની જુગારની રમતો જેમ કે તીનપત્તી, રૂલેટ, અંદર-બહાર અને રમીનો સમાવેશ થતો હતો. આરોપીઓ સંદેશાવ્યવહાર માટે ટેલીગ્રામ જેવા માધ્યમનો ઉપયોગ કરીને આ રમતોનું પ્રચાર પ્રસાર કરતા હતા અને વધુ લોકોને આકર્ષતા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
પોલીસના જણાવ્યા મુજબ, આ નેટવર્ક ખૂબ જ સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું, જેમાં નાણાંકીય લેવડદેવડ અને ખેલાડીઓ સાથે સંપર્ક માટે અલગ-અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવતી હતી. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સોશિયલ માધ્યમોનો ગેરઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે. પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અને આવી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો – Gold Silver Price Today : સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો












