ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ખાંડ મંડળીઓ પરનો 1,500 કરોડનો બોજો હટશે, બે લાખથી વધુ ખેડૂતોને રાહત

sugarcane farmers relief: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સહકારી ખાંડ મંડળીઓ અને શેરડી પકવતા ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે. વર્ષ 2007-08 થી 2014-15 દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોને રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપી છે. આ નિર્ણયથી સહકારી ખાંડ મંડળીઓ પરનો અંદાજિત રૂ. 1,500 કરોડનો આર્થિક બોજો દૂર થશે અને બે લાખથી વધુ ખેડૂતોને મોટી રાહત મળશે.

કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું કે, ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ ફક્ત ખાંડ ઉત્પાદન જ નહીં, પરંતુ મોલાસીસ, ઇથેનોલ અને કો-જનરેશન દ્વારા વીજળી ઉત્પાદન જેવા બાય-પ્રોડક્ટ્સમાંથી મળતી આવકનો મહત્તમ લાભ ખેડૂતો સુધી પહોંચાડે છે. આ કારણે ગુજરાતના ખેડૂતોને અન્ય રાજ્યોની સરખામણીએ વધુ ભાવ મળે છે.

મંત્રીએ વધુમાં કહ્યું કે, ભૂતકાળમાં આવકવેરા વિભાગે એફ.આર.પી. (Fair and Remunerative Price) કરતાં વધુ ચૂકવેલા ભાવોને નફો ગણીને ખાંડ મંડળીઓને ટેક્સ ડિમાન્ડ નોટિસ મોકલી હતી, જેના કારણે આ સમયગાળા દરમિયાન મંડળીઓ પર 1,500 કરોડનો બોજો જમા થયો હતો.

કેન્દ્ર અને રાજ્યના સંયુક્ત પ્રયાસોનું પરિણામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ સહકાર મંત્રાલયની સ્થાપના કર્યા બાદ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં વર્ષ 2023માં આવકવેરા કાયદામાં ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા અનુસાર રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા શેરડીના ભાવોને આવકવેરા હેતુ માટે માન્યતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ કેન્દ્રીય સુધારાના આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સ્તરે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. સમિતિની ભલામણોને આધારે રાજ્ય સરકારે આ ક્રાંતિકારી નિર્ણય લીધો છે.

મંત્રી જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખાંડ મંડળીઓ અને ખેડૂતો વતી આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર સહકારી ક્ષેત્ર અને ખેડૂતોના હિતોની સુરક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

આ નિર્ણયથી ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ મજબૂત બનશે અને લાખો ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ થશે.

આ પણ વાંચો: ખેતરોમાં વીજ થાંભલા નાખવાની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે 200થી વધુ ખેડૂતોને અટકાયતમાં લીધા

Back to top button