ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ : તલાટીની 2389 જગ્યાઓ માટે અરજીનો આંકડો જાણી દંગ રહેશો

  • છેલ્લે વર્ષ 2016માં 2800 તલાટીઓની ભરતી કરવામાં આવી હતી
  • મોડી રાત્રે ઉમેદવારોએ રાતના 12 વાગ્યા સુધી ફોર્મ ભર્યા
  • એક જગ્યા માટે 200 ઉમેદવારો પરીક્ષાના મેદાને

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તલાટીની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. મંગળવારે આખરી દિન હોવાથી મોડી રાતના 12 વાગ્યા સુધી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. તલાટીની 2389 જગ્યાઓ ખાલી પડી છે ત્યારે ચાર લાખ શિક્ષિત બેરોજગારોએ અરજી કરી હતી. આ પરથી ગુજરાતમાં બેરોજગારીની હકીકત ખુલ્લી પડી હતી.

છેલ્લે વર્ષ 2016માં 2800 તલાટીઓની ભરતી કરવામાં આવી હતી

ગ્રામ પંચાયતોના વહીવટને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરુપે સરકારે રહી રહીને તલાટીની ભરતી શરૂ કરી છે. છેલ્લે વર્ષ 2016માં 2800 તલાટીઓની ભરતી કરવામાં આવી હતી. આ વખતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 2389 તલાટીની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે 26 મેથી ફોર્મ ભરવાનું શરૂ થયુ છે. 10 જૂનની મોડી રાત્રે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી તે જોતાં ઉમેદવારોએ રાતના 12 વાગ્યા સુધી ફોર્મ ભર્યા હતાં. મળતી માહિતી મુજબ, મંગળવારે (10 જૂન) બપોર સુધીમાં તલાટી માટે 4.50 લાખથી વધુ અરજીઓ આવી હતી જે પૈકી 3.80 લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થઈ છે. 3 લાખથી વધુ ઉમેદવારોએ તો પરીક્ષા ફી પણ ફરી દીધી છે. તલાટી માટે કુલ ફોર્મ કેટલાં ભરાયાં તે બુધવારે મોડી સાંજ સુધીમાં ખબર પડશે. જે રીતે ફોર્મ ભરાયાં છે તે જોતાં તલાટીની પ્રત્યેક એક જગ્યા માટે 200 ઉમેદવારો પરીક્ષાના મેદાને છે.

હવે ગ્રેજયુએટ યુવા જ તલાટીનુ ફોર્મ ભરી શકે છે

આ વખતે ડબલ ગ્રેજ્યુએટથી માંડીને એમબીએ-ડિગ્રિ ધારક યુવાઓએ પણ તલાટી બનવામાં રસ દાખવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પંચાયતોમાં અત્યાર સુધી તલાટીઓ જ વહીવટદાર તરીકે ભૂમિકા નિભાવતા હતા. જગ્યાઓ ખાલી હોવાથી એક તલાટીને બે-ત્રણ ગામડાની જવાબદારી સોંપવામાં આવી હતી. પંચાયતોનો વહીવટ બગડતાં આખરે સરકારે તલાટીઓની ભરતી કરવાનું મન બનાવ્યુ છે. તલાટીની પરીક્ષા હવે જીપીએસસીની પરીક્ષા સમાન બની રહી છે. હવે પ્રિલિમનરી પરીક્ષામાં ઉતીર્ણ થયા પછી જ વધુ પરીક્ષા માટે યોગ્ય ઉમેદવાર ગણવામાં આવે છે. આ ઉપરાંત અત્યાર સુધી શૈક્ષણિક લાયકાત ધો. 12 હતી. હવે ગ્રેજયુએટ યુવા જ તલાટીનુ ફોર્મ ભરી શકે છે.

આ પણ વાંચો: સુરતમાં જાહેર સ્થળોએ અકસ્માતના બનાવ રોકવા માટે પાલિકાની SOPના અમલની તૈયારી શરૂ 

Back to top button