ગુજરાત: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, 10 દરવાજા ખોલાયા

- MPમાં ભારે વરસાદના પગલે પાણીની આવક વધી
- નદી કિનારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ
- 1.36 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
ગુજરાત: ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા. સરદાર સરોવરમાંથી 1.36 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ત્યારબાદ વધુ પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે તેથી 10 દરવાજા હાલ ખુલ્લા છે.
સરદાર સરોવરમાં હાલ 4,01,042 ક્યુસેક પાણીની આવક
ઉપરવાસમાં મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે આ વર્ષે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 128 મીટરને પાર કરીને હાલ 131 મીટર પર પહોંચી ગઇ છે. સરદાર સરોવરમાં હાલ 4,01,042 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 1,37,137 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
ડેમ 70 ટકા ભરાતા તેને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે
ડેમ 70 ટકા ભરાતા તેને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. ડેમની સપાટી હાલ 131 મીટરને વટાવી ચૂકી છે, મહત્તમ સપાટી 138.68 મીટરથી હવે માત્ર 7 મીટર જ દૂર છે. નર્મદા નદીના કાંઠાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડોદરા અને ભરૂચ સહિતના ગામોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વર્ષ 2017થી 2025 સુધીમાં અત્યાર સુધી 6 વાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.












