ચોટીલામાં રાજ્યનો પ્રથમ ફ્યુનિક્યુલર કોચ સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ થશે, જાણો કેટલું હશે ભાડું

સુરેન્દ્રનગર, તા. 26 સપ્ટેમ્બર, 2025: ગુજરાતના પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર પર ટૂંક સમયમાં રાજ્યનો પ્રથમ ફ્યુનિક્યુલર કોચ સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે. આ એક નાની ટ્રેન જેવી રાઇડ હશે, જેનાથી ભક્તો માત્ર પાંચ મિનિટમાં જ માતા ચામુંડાના મંદિરે પહોંચી શકશે. ચોટીલા મંદિરના મહંત મનસુખગિરિ ગોસાઈના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ આગામી ચૈત્ર નવરાત્રી સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જવાની આશા છે.
આ પ્રોજેક્ટથી જેઓ પગથિયાં ચઢી શકતા નથી તેવા વૃદ્ધ, અશક્ત અને બીમાર ભક્તો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ સિસ્ટમ ડુંગરના પગથિયાં પાસે લગભગ ૨૦ ફૂટ જેટલા નાના વિસ્તારમાં કાર્યરત થશે. કુલ ૧૨ કોચ (નાની ટ્રેન) ચાલશે – ૬ કોચ ઉપર જશે અને ૬ કોચ નીચે આવશે. એક કોચમાં ૬ વ્યક્તિઓ બેસી શકશે.
આ પ્રોજેક્ટ પૂરો થયા પછી ડુંગર પર ચડવા માટે ટ્રસ્ટ દ્વારા રૂ. ૩૦/- વત્તા જીએસટી સાથે ભાડું લેવામાં આવશે. આ કોચ સિસ્ટમ શરૂ થયા બાદ પૂજા-વિધિની તમામ સામગ્રી અને પથ્થર જેવી ભારે વસ્તુઓ પણ આ કોચમાં ઉપર લઈ જઈ શકાશે. હાલમાં ટ્રસ્ટના માણસો જાતે ચાલીને આ વસ્તુઓ ઉપર પહોંચાડે છે.
મહંત મનસુખગિરિએ વધુમાં જણાવ્યું કે આ પ્રોજેક્ટના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે. આ નવું આકર્ષણ ચૈત્ર નવરાત્રીથી લાખો શ્રદ્ધાળુઓ માટે ઉપલબ્ધ થઈ જશે. હાલમાં ચોટીલા ડુંગર પર રોજ સરેરાશ ૭,૦૦૦ થી ૧૦,૦૦૦ ભક્તો દર્શને આવે છે, જ્યારે ચૈત્ર નવરાત્રીમાં અંદાજે ૨ થી ૨.૫ લાખ અને દિવાળીથી ભાઈ બીજ સુધીમાં લગભગ ૫ લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.












