પદ્મશ્રી અબ્દુલ ગફુરે 350 વર્ષ જૂની રોગાન કળાને જીવંત રાખી વૈશ્વિક ઓળખ અપાવી

Kutch News: કચ્છના સરહદી ગામ નિરોણામાં પર્શિયન મૂળની 350 વર્ષથી વધુ જૂની રોગાન કળાને જીવંત રાખવામાં પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રીનું યોગદાન અનન્ય રહ્યું છે. એક સમયે રોટલો કાઢવો પણ મુશ્કેલ હોય તેવી પરિસ્થિતિમાં આ પરંપરાગત કળા મરણ પથારીએ પહોંચી ગઈ હતી, પરંતુ ખત્રી પરિવારે તેને પોતાના વારસાની જેમ સાચવી રાખી આજે તેને વૈશ્વિક ઓળખ અપાવી છે.
ખત્રી પરિવારો આ કળાને પેઢીદર પેઢી જાળવી
રોગાન કળા, જે મૂળ પર્શિયા (હાલ ઇરાન)થી સિંધ મારફતે કચ્છમાં આવી હતી, તે કુદરતી વનસ્પતિજન્ય રંગો અને એરંડાના તેલની મદદથી કાપડ પર કરવામાં આવતી હસ્તકલા છે. નિરોણાના ખત્રી પરિવારો આ કળાને પેઢીદર પેઢી જાળવી રાખે છે. 1980ના દાયકામાં આધુનિક પ્રિન્ટેડ કાપડના આગમન સાથે આ કળા અસ્તિત્વના સંકટમાં આવી ગઈ હતી.

અબ્દુલ ગફુર ખત્રી મુંબઈથી કચ્છ પરત ફર્યા
તે સમયે પરિવારના મોભી હાસમ ગફુર ખત્રીને લાગ્યું કે જો સમયસર પગલા નહીં લેવાય તો આ પરંપરાગત કળા ખતમ થઈ જશે. તેમણે તેમના પૌત્ર અબ્દુલ ગફુર ખત્રીને મુંબઈથી પાછા કચ્છ બોલાવવાનો નિર્ણય કર્યો. મુંબઈમાં સ્થિર જીવન છોડીને અબ્દુલ ગફુર ખત્રી કચ્છ પરત ફર્યા અને રોગાન કળાને પુનર્જીવિત કરવાની જવાબદારી સ્વીકારી.
રોગાન આર્ટના પીસની કિંમત 5 લાખ સુધી
ઘણા સંઘર્ષો બાદ તેમણે આ કળાને માત્ર બચાવી નહીં પરંતુ તેને આધુનિક સ્વરૂપ આપ્યું. અગાઉ મોટા અને પરંપરાગત ડિઝાઇન થતા હતા, જ્યારે આજે મોબાઇલ કવર, બેડશીટ, ટેબલ ક્લોથ, સાડી, કુર્તા, બેગ અને વોલપીસ જેવા આધુનિક ઉપયોગી ઉત્પાદનો બનાવવામાં આવે છે. રોગાન આર્ટના પીસની કિંમત 500 થી 5 લાખ સુધી બજારમાં મળે છે. સરકારની વિવિધ યોજનાઓ અને પ્રદર્શનોના માધ્યમથી આ કળાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી. ખાસ કરીને ભૂકંપ બાદ કચ્છના પ્રવાસન વિકાસ સાથે રોગાન આર્ટને વિશાળ પ્લેટફોર્મ મળ્યું. વિદેશી પર્યટકો પણ હવે નિરોણા આવી આ કળા શીખવા આવે છે.

PM મોદીનું વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો પણ આ કળાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ રહ્યા છે. 2006માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમની કચ્છ મુલાકાત દરમિયાન તેમણે આ કળાને નજીકથી જાણી હતી. ત્યારબાદ તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર રોગાન આર્ટને પ્રોત્સાહન આપ્યું. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જાપાનના વડાપ્રધાન, ડેનમાર્કની મહારાણી અને UAEના રાષ્ટ્રપતિને રોગાન કળાના નમૂનાઓ ભેટમાં આપ્યા. જી-20 શિખર પરિષદમાં 100 મીટર લાંબા કાપડ પર બનાવેલ “ટ્રી ઓફ લાઇફ” રોગાન ચિત્રે વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો, જેને 8 થી 10 કારીગરોએ તૈયાર કર્યું હતું.

ખત્રી પરિવારની 9મી પેઢી પણ આ કળા સાથે જોડાઈ
અબ્દુલ ગફુર ખત્રી જણાવે છે કે એરંડાના તેલને ઉકાળીને તેને જેલી જેવી પેસ્ટ બનાવવામાં આવે છે અને તેમાં કુદરતી રંગો ઉમેરવામાં આવે છે. પછી લાકડાની અણીદાર કલમથી આ રંગોને હાથની કુશળતા દ્વારા કાપડ પર ચિત્રરૂપે ઉતારવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા હજી પણ સંપૂર્ણપણે હાથથી થાય છે અને તેમાં કોઈ મશીનનો ઉપયોગ થતો નથી. ભૂતકાળમાં બન્ની વિસ્તારની સ્ત્રીઓના ઘાઘરા અને ઓઢણી પર રોગાન કળા જોવા મળતી હતી. સમય સાથે તેની પરંપરાગત ઓળખ બદલાઈને આધુનિક સ્વરૂપમાં પરિવર્તિત થઈ છે. અબ્દુલ ગફુર ખત્રીના પ્રયાસોથી આજે ખત્રી પરિવારની 9મી પેઢી પણ આ કળા સાથે જોડાઈ છે. આશરે 9 થી 10 લોકો સીધા આ કળામાં કાર્યરત છે અને અનેક રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવી ચૂક્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રોગાન કળા કચ્છની ઓળખ અને ગૌરવનું પ્રતિક બની
તેમણે 2010માં મહિલાઓને નિઃશુલ્ક તાલીમ આપવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં 400થી વધુ દીકરીઓને રોગાન કળાની તાલીમ આપવામાં આવી છે. આ મહિલાઓ હવે ઘરેથી કામ કરીને માસિક 15 થી 20 હજાર રૂપિયા સુધી કમાણી કરી રહી છે. નિરોણા ઉપરાંત ભુજમાં પણ રોગાન યુનિટ કાર્યરત છે, જે કળાના વિસ્તરણનું પ્રતિક છે. કચ્છમાં જી-20 દરમિયાન 500 થી 600 રોગાન આર્ટ પીસની ખરીદી સરકારે કરી હતી. આ રીતે, કચ્છની રોગાન કળાને લુપ્ત થવાથી બચાવીને તેને વૈશ્વિક ઓળખ અપાવવામાં પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રીનું યોગદાન ઐતિહાસિક ગણાય છે. આજે રોગાન કળા માત્ર પરંપરા નથી રહી, પરંતુ કચ્છની ઓળખ અને ગૌરવનું પ્રતિક બની ગઈ છે.












