ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પોરબંદર નજીક દરિયામાંથી 203 કિલો શંકાસ્પદ કેમિકલ્સ ઝડપાયા, 2 ઇરાનીઓની ધરપકડ

પોરબંદર: ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં એક મોટું સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સની હેરાફેરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. પોરબંદર કાંઠેથી આશરે 140 નોટિકલ માઇલ દૂર ભારતીય જળસીમામાંથી 203 કિલો શંકાસ્પદ કેમિકલ પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.

આ ઓપરેશનમાં બે ઇરાની નાગરિકો અબ્દુલ મજીદ અને અબ્દુલ સતારની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ ઇરાની સ્પીડ બોટમાં સવાર હતા. તેમની પાસેથી મોબાઇલ ફોન અને અન્ય શંકાસ્પદ સામગ્રી પણ મળી આવી છે.

ઓપરેશનની વિગતો

ગુજરાત ATSના સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ કે.કે. પટેલને માહિતી મળી હતી કે ઇરાનના કોનારક બંદરેથી 15-16 ફેબ્રુઆરી વચ્ચે એક ઇરાની સ્મગ્લર હાજી ફિદા આશરે 200 કિલો ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો. આ જથ્થો ઇન્ટરનેશનલ મેરિટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) નજીક એક ભારતીય વેસલમાં ટ્રાન્સફર કરીને પંજાબ મોકલવાનો હતો.

આ માહિતીના આધારે ATS અને કોસ્ટ ગાર્ડે સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું. 16 ફેબ્રુઆરી સવારે આશરે 8 વાગ્યે 140 માઇલ દૂર સ્પીડ બોટને ઝડપી લેવામાં આવી. ઓપરેશન દરમિયાન 8થી 10 કલાક સુધી સતત વોચ રાખવામાં આવી હતી અને પીછો કરવામાં આવ્યો હતો. બોટને હાલ પોરબંદરના કોસ્ટ ગાર્ડ સ્ટેશન પર લાવવામાં આવી છે.

ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું કે આ ઓપરેશન ઇન્ટેલિજન્સ આધારિત હતું. જપ્ત કરાયેલા પદાર્થના સેમ્પલ FSL માં મોકલવામાં આવ્યા છે. NDPS એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વધુ તપાસમાં ભારતમાં તેના રિસીવર્સ અને નેટવર્કની શોધ ચાલુ છે.

આ સફળતા ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ સ્મગ્લિંગને રોકવામાં ATS અને કોસ્ટ ગાર્ડની સતત સતર્કતાનું પરિણામ છે. આ જથ્થો આજે પોરબંદર જેટી પર લાવવામાં આવશે અને વધુ તપાસ માટે અમદાવાદ લઈ જવાશે.

આ પણ વાંચો: અમદાવાદના વટવામાં નશામાં ધૂત કારચાલકે ગાયને અડફેટે લેતા મોત, કારમાંથી દારૂની બોટલ મળી

Back to top button