GST સુધારાથી મકાનોની કિંમતમાં ઘટાડો અને માંગ વધવાની સંભાવના

નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર, 2025: રિયલ એસ્ટેટ કંપનીઓએ GST કાઉન્સિલના સુધારાઓને આવકાર્યો છે. તેમને આશા છે કે તેનાથી ગ્રાહકોની ક્ષમતા વધશે જેનાથી રહેણાંક એકમોની માંગમં વધારો થઇ શકે છે. કાચા માલની ખર્ચમાં ઘટાડો થવાથી ડેવલપર્સને મદદ મળશે અને પ્રોજેક્ટને પૂરો થવાની સંભાવનામાં પણ વૃદ્ધિ થશે. કાઉન્સિલે સિમેન્ટ પર GST દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. સેંડ લાઇમ ઇંટો કે સ્ટોન ઇનલે વર્ક અને ગ્રેનાઇટ બ્લોક પર દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જેએલએલના મુખ્ય અર્થશાસ્ત્રી ડૉ. સામંતક દાસે કહ્યુ હતું કે પ્રોડેક્ટના પ્રકાર અને સિમેન્ટના ખર્ચમાં બચતના આધારે મકાનોની કિંમતમાં 1થી 1.5 ટકાનો ઘટાડો આવી શકે છે.
સનટેક રિયલ્ટના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર કમલ ખેતાને કહ્યુ કે સિમેન્ટ અને અન્ય બાંધકામ સામગ્રી પરની GSTમાં કપાતનું પગલું મોટુ છે, જેનાથી સીધા બાંધકામ ખર્ચમાં ઘટાડો થશે. આ કપાતનો લાભ ડેવલપર કિંમતોમાં સ્થિરતા ટકાવવામા અને વધુ સારા સામર્થ્ય દ્વારા ઘર ખરીદનારાઓને લાભ પહોંચાડવા માટે સક્ષમ બનશે. તેનાથી પ્રોજેક્ટની આર્થિક સ્થિતિને પણ પ્રોત્સાહન મળશે અને રહેણાક અને શહેરી આવશ્યક માળખામાં રોકાણ વધશે.
કુલ બાંધકામ ખર્ચમાં સિમેન્ટનો હિસ્સો 4 થી 5 ટકા છે, જ્યારે સમગ્ર બાંધકામ સામગ્રીનો હિસ્સો 25 થી 30 ટકા છે. ફરાંડે સ્પેસિસના મેનેજિંગ ડિરેક્ટર આકાશ ફરાંડેના જણાવ્યા અનુસાર, આ સુધારાઓ ડેવલપર્સના ઇનપુટ ખર્ચમાં લગભગ 10 ટકાનો ઘટાડો કરી શકે છે.
ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે સરકારના આ પગલાથી સસ્તા અને મધ્યમ આવક ધરાવતા વર્ગને સૌથી વધુ ફાયદો થવાની શક્યતા છે. હિરાનંદાની ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. નિરંજન હિરાનંદાનીએ જણાવ્યું હતું કે, “ખાસ કરીને એફોર્ડેબલ આવાસો લાભદાયક રહેશે કારણ કે બાંધકામ ખર્ચમાં ઘટાડાનો લાભ ઘર ખરીદનારાઓને મળી શકે છે. આનાથી ઘરો વધુ સુલભ બનશે. આ સાથે, સરકારના ‘દરેક માટે ઘર’ વિઝનને પણ ટેકો મળશે.” સિગ્નેચર ગ્લોબલ (ઇન્ડિયા)ના સ્થાપક અને અધ્યક્ષ પ્રદીપ અગ્રવાલ માને છે કે આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને આ સુધારા ખૂબ જ ખાસ છે. તેમણે કહ્યું, “આ આખરે ગ્રાહકો માટે મકાનોના ભાવ ઘટાડશે અને તમામ શ્રેણીઓમાં ટકાઉ માંગ ઊભી કરશે.”
M5 મહેન્દ્ર ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ મહેન્દ્ર નાગરાજે જણાવ્યું હતું કે આ સુધારાઓની સીધી અસર ઓપરેટિંગ માર્જિન પર પડશે અને પ્રોજેક્ટ બજેટ મેનેજમેન્ટમાં સુગમતા આવશે. ખાસ કરીને ભાવ-સંવેદનશીલ શહેરી બજારોમાં આનાથી વધુ સારી ખરીદી, ઝડપી અમલીકરણ અને વધુ સ્પર્ધાત્મક ભાવો બનશે. GST સુધારાથી બચતમાં વધારો, વપરાશમાં વધારો, તરલતામાં સુધારો અને વ્યવસાયિક મનોબળમાં વધારો થવાની અપેક્ષા છે.
આ પણ વાંચોઃ GST કાપથી ઇકોમર્સને વેપારમાં વધારાની આશા, તહેવારો પહેલા બદલશે વ્યૂહરચના












