પતિના અવસાન બાદ મળી નોકરી, પછી કર્યા બીજા લગ્ન- રાજસ્થાન હાઈકોર્ટે પત્ની વિરુદ્ધ સંભળાવ્યો મોટો ચુકાદો

રાજસ્થાન, 12 નવેમ્બર: રાજસ્થાન હાઈકોર્ટે એક અગત્યના ચુકાદામાં રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે એક મહિલાના પગારમાંથી દર મહિને 20,000 રૂપિયાની કપાત કરવામાં આવે અને આ રકમ તેના સસરાના ખાતામાં જમા કરાવવામાં આવે. આ મામલો રાજસ્થાનનો છે, જ્યાં એક મહિલાને પતિના અવસાન બાદ અનુકંપાના આધારે નોકરી મળી હતી. પતિના મૃત્યુ બાદ તેને લગભગ 70% પ્રોવિડન્ટ ફંડ અને વળતરની રકમ પણ આપવામાં આવી હતી. પરંતુ, નોકરી મળ્યાના માત્ર 18 દિવસ બાદ જ તે સાસરિયું છોડીને બીજા લગ્ન કરી લીધા.
સસરાએ ઉઠાવ્યું કાયદાકીય પગલું
મહિલાના સસરાએ કોર્ટમાં અરજી દાખલ કરી, જેમાં કહેવામાં આવ્યું કે તેમનો પુત્ર સ્વર્ગસ્થ રાજેશ કુમાર, જે અજમેર વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડમાં ટેકનિકલ આસિસ્ટન્ટ હતો, 15 સપ્ટેમ્બર 2015 ના રોજ સેવા દરમિયાન અવસાન પામ્યો હતો.
રાજેશના મૃત્યુ બાદ વિભાગે અનુકંપાના આધારે નિમણૂક માટે પરિવાર પાસેથી અરજી માંગી. આ પ્રક્રિયા દરમિયાન સસરા ભગવાનને આ તક આપવામાં આવી હતી, પરંતુ તેમણે પોતાની વહુના પક્ષમાં આ તક જતી કરી, જેથી તે પોતાના પરિવારનો સહારો બની શકે. નોકરી મળ્યાના 18 દિવસની અંદર જ મહિલાએ ઘર છોડી દીધું અને બીજા લગ્ન કરી લીધા. આ પછી સસરાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો.
કોર્ટમાં શું થયું?
મહિલાનું કહેવું હતું કે તેણે શરૂઆતમાં સસરાની મદદ કરી હતી, પરંતુ તેને પરેશાન કરવામાં આવી, જેના કારણે તેણે ઘર છોડવું પડ્યું અને બીજા લગ્ન કરવા પડ્યા. જોકે, કોર્ટે રેકોર્ડ્સની તપાસ કર્યા બાદ શોધી કાઢ્યું કે સસરા અને સાસુ બંને આર્થિક રીતે પુત્રની કમાણી પર નિર્ભર હતા અને પુત્રના અકાળ મૃત્યુ બાદ તેઓ સંપૂર્ણપણે અસહાય થઈ ગયા હતા.
રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું કે અનુકંપા નિમણૂક પરિવારની આર્થિક સહાય માટે આપવામાં આવી હતી, તેથી તે ઉચિત નથી કે નોકરી મળ્યા બાદ મહિલા તેના દિવંગત પતિના માતા-પિતાને સંપૂર્ણપણે અવગણી દે.
અદાલતે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો કે મહિલાના પગારમાંથી 20,000 રૂપિયા પ્રતિ માસ કપાત કરવામાં આવે અને આ રકમ સસરા ભગવાનના ખાતામાં જમા કરવામાં આવે. આ ચુકાદો ન માત્ર અનુકંપા નિમણૂકોના નૈતિક ઉદ્દેશ્યને રેખાંકિત કરે છે, પરંતુ તે એ પણ દર્શાવે છે કે કાયદો પારિવારિક જવાબદારીથી મોં ફેરવવાની મંજૂરી આપતો નથી.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw












