ટ્રમ્પના નિવેદનથી સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, ચાંદી ₹2.77 લાખને પાર

નવી દિલ્હી: 10 માર્ચ, 2026: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનને પગલે વૈશ્વિક બજાર સહિત ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર નબળો પડતા મંગળવારે વાયદા બજારમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ ₹10,442 નો તોતિંગ વધારો થયો છે.
ચાંદીમાં 4% નો ઉછાળો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર મે મહિનાના વાયદા માટે ચાંદીની કિંમત અંદાજે 4 ટકા વધીને ₹2,77,602 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. બજારના જાણકારોના મતે, ગત સત્રના ઘટાડા બાદ ડોલરની નબળાઈ અને વૈશ્વિક બજારના પોઝિટિવ સેન્ટિમેન્ટને કારણે ચાંદીમાં આ ગતિ જોવા મળી છે.
સોનાના ભાવમાં પણ ₹2000ની તેજી
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ચમક વધી છે. સોનાના ભાવમાં અંદાજે ₹2,000 નો વધારો નોંધાયો છે, જેના કારણે તે ₹1,62,000 ની આસપાસ ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન સોનાએ ₹1,62,149 નો હાઈ રેકોર્ડ બનાવ્યો હતો.
કેમ વધી રહી છે કિંમતો?
સોમવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ઈરાનમાં સૈન્ય અભિયાન ઝડપથી પૂર્ણ થવા તરફ છે. આ નિવેદન બાદ બજારમાં હલચલ વધી ગઈ હતી. આ સિવાય, રોકાણકારો હવે અમેરિકાના આગામી ફુગાવાના આંકડા (CPI અને PCE ઇન્ડેક્સ) પર નજર રાખી રહ્યા છે, જે ભવિષ્યની મોનેટરી પોલિસીની દિશા નક્કી કરશે. નિષ્ણાતોના મતે, જો ડોલર વધુ નબળો પડશે તો આગામી સમયમાં સોના-ચાંદીના ભાવમાં હજુ પણ વધુ તેજી જોવા મળી શકે છે.












