ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકામાં ગોળી મારીને હત્યા! મૂસેવાલા મર્ડરનો હતો માસ્ટરમાઇન્ડ
ચંદીગઢ (પંજાબ), 01 મે 2024: કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે લોરેન્સ બિશ્નોઈનો સૌથી નજીકનો ગણાતો ગોલ્ડીની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની હરીફ ગેંગના દલ્લા-લખબીરે તેની હત્યાની જવાબદારી લીધી છે. જો કે, ગોલ્ડી બ્રારના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. ઉલ્લેખનીય છે કે, ગોલ્ડી બ્રાર સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસનો મુખ્ય આરોપી છે. થોડા સમય પહેલા ગોલ્ડીને કેન્દ્ર સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો.
ગોલ્ડી મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ તેનું નામ સામે આવ્યું હતું. જો કે આ પહેલા પણ તેણે અનેક ગુના આચર્યા હતા. ચંદીગઢમાં પિતરાઈ ભાઈ ગુરલાલ બ્રારની હત્યા બાદ ગોલ્ડીએ ગુનાખોરીની દુનિયામાં પગ પેસારો કર્યો. પંજાબ યુનિવર્સિટીનો વિદ્યાર્થી નેતા ગુરલાલ બ્રારની 11 ઑક્ટોબર 2020ની રાત્રે ચંદીગઢમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. જો કે, ગોલ્ડીનું અસલ નામ સતીન્દરજીત સિંહ છે. તેનો જન્મ 1994માં પંજાબના મુક્તસર સાહિબ જિલ્લામાં થયો હતો. તેના પિતા પંજાબ પોલીસમાંથી રિટાયર્ડ સબ ઈન્સ્પેક્ટર છે.
કેન્દ્ર સરકારે ગોલ્ડીને આતંકવાદી જાહેર કર્યો હતો
2017માં ગોલ્ડી સ્ટુડન્ડ વીઝા પર કેનેડા પહોંચ્યો, જ્યાં તેણે હરીફોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું અને ધનિક વ્યક્તિઓ પાસેથી પૈસા પડાવવાના ગેરકાયદે કાર્યોમાં સામેલ થયો. મે 2023માં ગોલ્ડી બ્રાર કેનેડામાં મોસ્ટ વોન્ટેડ વ્યક્તિઓની યાદીમાં 15 ક્રમે હતો. વિદેશમાં રહેતા હોવા છતાં તે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ખંડણી અને અનેક હત્યાઓ સાથે સંકળાયેલો હતો. મૂસેવાલા હત્યાકાંડ પછી ગોલ્ડીને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે સતવિંદર સિંહ, જેને સતીન્દરજીત સિંહ અથવા ગોલ્ડી બરાડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના બાબર ખાલસા આતંકવાદી સંગઠન સાથે સંબંધ છે અને તે અનેક હત્યાઓ, ગેરકાયદેસર હથિયારોની દાણચોરી અને ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં તેની સંડોવણી હતી. જો કે, હાલમાં ગોલ્ડીના મૃત્યુનો દાવો કરાઈ રહ્યો છે.
આ પણ વાંચો: Breaking News: ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી: ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને આતંકી જાહેર