જાણીતા ઓડિયા સિંગર હુમાને સાગરે 35 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, ગંભીર બીમારીઓએ જીવ લીધો

- ગાયકને ત્રણ દિવસ પહેલા ગંભીર હાલતમાં AIIMS ભુવનેશ્વરના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરો તેમની સ્થિતિ સ્થિર કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા હતા
HD ન્યુઝ ડેસ્કઃ ઓડિયા સંગીત જગતમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે. ઓડિશાના પ્રખ્યાત ગાયક હુમાને સાગરનું Famous Odia singer Human Sagar સોમવારે (17 નવેમ્બર) સાંજે અવસાન થયું છે. તેમની ઉંમર માત્ર 35 વર્ષ હતી. અહેવાલો અનુસાર ગાયકને ત્રણ દિવસ પહેલા ગંભીર હાલતમાં AIIMS ભુવનેશ્વરના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરો તેમની સ્થિતિ સ્થિર કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા હતા. જોકે તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો અને 17 નવેમ્બરના રોજ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તેમના મૃત્યુનું કારણ મલ્ટીપલ ઓર્ગન ફેઈલ હોવાનું કહેવાય છે.
AIIMS ભુવનેશ્વરના ડૉ. શ્રીકાંત બેહરાએ એક મીડિયા બુલેટિનમાં જણાવ્યું હતું કે હુમાને સાગરને 14 નવેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમને અનેક ગંભીર બીમારીઓ હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ બાઈલેટરલ ન્યુમોનિયા, ક્રોનિક લીવર ફેલ્યોર, કાર્ડિયોમાયોપથી અને ગંભીર હૃદય સમસ્યાઓ, મલ્ટી-ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ, કિડની ફેલ્યોર અને શ્વસન સમસ્યાઓથી પીડાતા હતા. 17 નવેમ્બર, 2025 ના રોજ રાત્રે 9:08 વાગ્યે સારવાર દરમિયાન મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરથી તેમનું અવસાન થયું હતું.
ઓડિશાના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
ઓડિશાના મુખ્યમંત્રી મોહન માઝીએ હુમાને સાગરના નિધન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે પ્રખ્યાત પ્લેબેક સિંગર હુમાને સાગરના નિધનના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે. તેમનું નિધન ઓડિશાના સંગીત અને ફિલ્મ ઉદ્યોગ માટે એક ન પૂરી શકાય તેવું નુકસાન છે. દિવંગતના આત્માને શાંતિ મળે.
કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપના નેતા અને સાંસદ બૈજયંત પાંડાએ પણ તેમના અકાળ અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો.

હુમાને સાગર કોણ હતા?
હુમાને સાગરનો જન્મ 25 નવેમ્બર, 1990 ના રોજ બોલાંગીર જિલ્લાના ટીટીલાગઢમાં થયો હતો. તેમના પિતા અને દાદા બંને સંગીત સાથે સંકળાયેલા હતા, જેના કારણે તેમનામાં નાનપણથી જ સંગીત પ્રત્યેનો જુસ્સો જાગ્યો હતો.
2012માં તેમણે તરંગ ટીવીના લોકપ્રિય સિંગિંગ શો વોઇસ ઓફ ઓડિશા સીઝન-2 નો ખિતાબ જીતીને સમગ્ર ઓડિશામાં ઓળખ મેળવી હતી. 2015માં તેમણે ફિલ્મ ઈશ્ક તુ હી તુથી પ્લેબેક સિંગિંગમાં પ્રવેશ કર્યો, જે ખૂબ જ સફળ રહી હતી. આ ફિલ્મે તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા.
આ પણ વાંચોઃ આઝમ ખાનની રાજકીય ઇનિંગ્સ ફરી પાટા પરથી ઉતરી, પાછા થયા જેલ ભેગા











