મહાયુતિમાં ફરી ડખો? ફડણવીસે ઉચ્ચ સ્તરીય બેઠકમાં શિંદેને રાખ્યા બાકાત, રાજકીય અટકળો થઈ તેજ
મહારાષ્ટ્રઃ 19 ઓગસ્ટ, 2025: Maharashtra Politics: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ હાલ વરસાદના કારણે આફતમાં ઘેરાયેલી છે. આ દરમિયાન, રાજ્યનું રાજકીય તાપમાન પણ ગરમાઈ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. મુંબઈમાં વરસાદને કારણે સંભવિત સમસ્યાઓનો સામનો કરવા માટે મંગળવારે (19 ઓગસ્ટ) આ બેઠક બોલાવવામાં આવી હતી.
ફડણવીસ અને શિંદે વચ્ચે ડખા?
આ પહેલાં પણ ફડણવીસે કેબિનેટની બેઠક બોલાવી હતી. ત્યારે પણ શિંદેએ તે બેઠકમાં હાજરી નહતી આપી. આનાથી એવી અટકળો શરૂ થઈ હતી કે, મહાયુતિ ગઠબંધનમાં બધુ બરાબર નથી.
બેઠકમાં ગેરહાજર
આ વખતે જ્યારે મંગળવારે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી, ત્યારે શિંદે થાણેમાં હતા અને જમીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બાદમાં તેઓ બીએમસી ઓફિસ પણ ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
શિંદેની દિલ્હી મુલાકાત
હાલ, એકનાથ શિંદેની દિલ્હી મુલાકાતો પણ ઘણી વધી ગઈ છે જેના કારણે તે ચર્ચામાં છે. 6 ઓગસ્ટે, તેઓ તેમના પરિવાર સાથે દિલ્હી ગયા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. જેની તસવીરો પણ સામે આવી હતી.
વળી, શિંદેએ દિલ્હીની તેમની મુલાકાત અંગે વારંવાર સ્પષ્ટતા આપતા કહ્યું કે સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને તેમનો પક્ષ પણ NDAનો એક ભાગ છે. તેથી, તેઓ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા.
સ્વાતંત્રતા દિવસે મહારાષ્ટ્રમાં નહતા હાજર
બીજી બાજુ અનેક લોકો શિંદેના સ્વતંત્રતા દિવસે મહારાષ્ટ્રમાં ન રહેવાના અને કાશ્મીર જવાના નિર્ણયને એક મોટો સંકેત માની રહ્યા છે. ઘણા લોકો એવું અનુમાન લગાવવા લાગ્યા છે કે ગઠબંધનમાં બધું બરાબર નથી.
શિંદે જૂથના શિવસેના નેતા સંજય શિરસાટે આ સમગ્ર મુદ્દા પર કહ્યું કે, એકનાથ શિંદે રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે, તેથી તેમનું દિલ્હી જવું સ્વાભાવિક છે.
નારાજગીના કારણો
- મહારાષ્ટ્ર સરકારમાં શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ વચ્ચેનો મતભેદ વધુ ઘેરાઈ રહ્યા છે. શિંદે અને તેમના સમર્થકોને લાગે છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકારમાં, NCPને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે, જ્યારે શિવસેના (શિંદે જૂથ)ને ઘણી હદ સુધી અવગણવામાં આવી રહી છે.
- માત્ર સત્તા સંતુલન જ નહીં, પરંતુ જાહેર નિમણૂકો અને બદલીઓના સંકલનના અભાવે પણ તણાવમાં વધારો કર્યો છે; ઘણી વખત, નિમણૂકોને લઈને ટોચના નેતાઓ વચ્ચે સ્પષ્ટ ઘર્ષણ જોવા મળ્યું હતું.
- આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં વાલી મંત્રીઓની પસંદગીના મુદ્દે પણ વિવાદો ઊભા થયા છે. આ વિવાદોએ શિંદે અને ભાજપ વચ્ચેના સંબંધોમાં વધુ તિરાડ પાડી છે.
આ પણ વાંચોઃ ઓર્ડર વગર ઘરે પાર્સલ આવ્યું? થઈ શકે છે મોટું સ્કેમ, સરકારી એજન્સીએ ચેતવણી આપી
આ પણ વાંચોઃ અમદાવાદ: બે દાયકાના સમય પછી AMC મૂળના ત્રણ નાયબ કમિશનરની પ્રોબેશન ઉપર નિમણૂંક












