EUનો ટ્રમ્પ પર વળતો વાર, 20 અબજ યૂરોની કિંમતની અમેરિકી પ્રોડક્ટ્સ પર લગાવશે ટેરિફ

બ્રશેલ્સ, 10 એપ્રિલ, 2025: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ બોમ્બ સામે હવે યુરોપે પણ વળતો ઘા કર્યો છે. જેમાં EU (યુરોપિયન યુનિયન) અમેરિકાની 20 અબજ યૂરો (આશરે 1.8 લાખ કરોડ રૂપિયા)ની પ્રોડક્ટ્સ પર ટેરિફ લગાવવાની મંજૂરી આપી દીધી છે. EUના ટાર્ગેટમાં સોયાબીન, મોટરસાયકલ, વ્યૂટી પ્રોડક્ટ્સ અને તેના સિવાય ઘણુ બધુ છે.
શું છે પૂરો મામલો
ટ્રમ્પે તાજેતરમાં જ યુરોપથી આવનારા સ્ટીલ અને એલ્યુમિનીયમ પર ભારે ટેરિફ લગાવી હતી. તેના વળતા જવાબમાં ઇયુએ પણ વળતો ઘા કર્યો છે અને સ્પષ્ટ કર્યુ છે કે હવે તેઓ ટ્રમ્પની દાદાગીરી સહન કરશે નહી.
આ ટેક્સ 15 એપ્રિલથી વસૂલવાનું શરૂ થશે
EUનું કહેવું છે કે અમેરિકાનું આ વલણ અયોગ્ય જ નહી, પરંતુ તે બંને બાજુની અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. આ ઉપરાંત વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ અસર થઈ રહી છે.
શું ઇયુ વાટાઘાટો કરવા તૈયાર છે?
EUએ કહ્યું છે કે જો યુએસ “વાજબી અને સંતુલિત ડીલ” માટે સંમત થાય તો આ ટેરિફ રોકી શકાય છે. પરંતુ આ ક્ષણે યુરોપ તેના અલગ અંદાજમાં છે.ઇયુના વળતા હુમલામાં શું સામેલ છે?
આ વખતે EUએ બે રીતે બદલો લીધો છે –
પ્રથમ પગલું: ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન જે કર લાદવામાં આવ્યા હતા પરંતુ હાલમાં સ્થગિત કરવામાં આવ્યા હતા તે ફરીથી સક્રિય કરવામાં આવી રહ્યા છે.
બીજું પગલું- એક નવી યાદી તૈયાર કરવામાં આવી છે જેના પર આવતા મહિનાથી ટેક્સ લાગશે. ડિસેમ્બરથી કેટલીક વસ્તુઓ પર ડ્યુટી શરૂ થશે.
ટેરિફ દ્વારા કયા ઉત્પાદનોને ફટકો પડશે?
એક રિપોર્ટ અનુસાર, આ વખતે ખાસ વાત એ છે કે EUએ ભારે ટેરિફ માટે જે પ્રોડક્ટ્સ પસંદ કરી છે તેમાંથી મોટા ભાગના ઉત્પાદનો એવા રાજ્યોના છે જ્યાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનો દબદબો છે. મતલબ કે રાજકીય નિશાના પર પણ ફટકો પડ્યો છે. આ ઉત્પાદનોમાં – મોટરસાયકલ, ચિકન, મકાઈ, ડ્રાય ફ્રૂટ્સ, લાકડું, ચિત્રો, કાપડ અને ઈલેક્ટ્રોનિક સામાનનો સમાવેશ થાય છે. આ તમામ પર ટેરિફથી ફટકો પડશે.
ટ્રમ્પે શું કર્યું?
ટ્રમ્પે યુરોપથી આવતી કાર પર 25 ટકા અને અન્ય માલસામાન પર 20 ટકા સુધી ટેક્સની જાહેરાત કરી હતી. EUએ કહ્યું છે કે આનો પણ ટૂંક સમયમાં જ બદલો લેવામાં આવશે. અમેરિકા અને યુરોપ વચ્ચેનો આ ટેરિફ સંઘર્ષ હવે સીધા વેપાર યુદ્ધનું સ્વરૂપ લઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ જો દવાઓ પર લાગશે ટેરિફ તો આ ભારતીય કંપનીઓને થશે અસર












