ચૂંટણી પંચ ભાજપ-કોંગ્રેસ પર થયું ગરમ, નડ્ડા-ખડગેને નોટિસ મોકલી કહ્યું- ‘પ્રચારમાં મર્યાદા જાળવો’
- ચૂંટણી પંચે જેપી નડ્ડા અને મલ્લિકાર્જુન ખડગેને આપી કડક સૂચના, કહ્યું- ‘તમે તમારા સ્ટાર પ્રચારકોને કોઈપણ નિવેદન આપતી વખતે ચાવચેતી રાખે અને મર્યાદા જાળવવા સૂચનાઓ આપો’
દિલ્હી, 22 મે: લોકસભાની ચૂંટણી વચ્ચે રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા ઉશ્કેરણીજનક નિવેદનોનો સિલસિલો યથાવત છે. ચૂંટણી પંચ આવી બાબતો પર સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન ચૂંટણી પંચે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કડક સૂચના આપી છે. બંને નેતાઓને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના સ્ટાર પ્રચારકોને કોઈપણ નિવેદન આપતી વખતે સાવચેતી રાખે અને મર્યાદા જાળવી રાખે તેવી સૂચના આપે.
ચૂંટણી પંચે ભાજપને આપી કડક સૂચના
ચૂંટણી પ્રચારના ઘટી રહેલા સ્તરને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ આદેશો આપ્યા છે. આયોગે જાતિ, સમુદાય, ભાષા અને ધર્મના આધારે પ્રચાર કરવા બદલ ભાજપ અને કોંગ્રેસ બંનેની ટીકા કરી હતી. પંચે ભાજપને સૂચના આપી છે કે પાર્ટીના નેતાઓએ તેમના ભાષણ દરમિયાન ધાર્મિક અને સાંપ્રદાયિક નિવેદનો ન કરવા જોઈએ. સમાજમાં ભાગલા પાડતા નિવેદનો ટાળવા પણ કહેવામાં આવ્યું છે. પંચે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ચૂંટણી સમયે સત્તાધારી પક્ષ પર વધારાની જવાબદારી હોય છે.
કોંગ્રેસના નેતાઓએ સંરક્ષણ દળોને લઈને રાજકારણ ન કરવું જોઈએ: ચૂંટણી પંચ
ચૂંટણી પંચે કોંગ્રેસના નેતાઓને પાયાવિહોણા નિવેદનો ન કરવા જણાવ્યું છે. મુખ્યત્વે બંધારણ નાબૂદ કરવા અને અગ્નિવીર યોજનાને સમાપ્ત કરવા અંગે નિવેદનો ન કરવા આદેશો આપવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રચારકો અને ઉમેદવારોને સંરક્ષણ દળો પર રાજનીતિ ન કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સંરક્ષણ દળોના સામાજિક અને આર્થિક માળખાને લઈને વિભાજનકારી ભાષણો ન આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ભાજપ કેટલી બેઠકો જીતશે, અમેરિકાના પ્રખ્યાત રાજકીય નિષ્ણાતે કરી આગાહી