મનોરંજન

દિલજીત દોસાંઝની ફિલ્મ ‘સતલુજ’ પર વિવાદ વણસ્યો: કેન્દ્ર સરકારના આદેશ બાદ OTT પ્લેટફોર્મ પરથી હટાવાઈ

Satluj OTT Controversy: પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝની બહુચર્ચિત ફિલ્મ ‘સતલુજ’ ને લઈને ચાલી રહેલો વિવાદ ભારતીય મનોરંજન જગત અને ડિજિટલ મીડિયા રેગ્યુલેશનમાં એક નવો વળાંક લઈ ચૂક્યો છે. આ વિવાદાસ્પદ ફિલ્મને શુક્રવારે કોઈપણ અગાઉની જાહેરાત વિના શાંતિથી OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ કરી દેવામાં આવી હતી. જોકે, રિલીઝ થયાના માત્ર 48 કલાકની અંદર જ એટલે કે રવિવારે સાંજે આ ફિલ્મને પ્લેટફોર્મ પરથી અચાનક હટાવી દેવામાં આવતા સોશિયલ મીડિયા પર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે આક્રોશ શરૂ થઈ ગયો છે. હવે આ ફિલ્મને હટાવવા પાછળ કેન્દ્ર સરકારની સીધી દખલગીરી હોવાના સત્તાવાર કારણો બહાર આવ્યા છે.

કેન્દ્ર સરકારે આપ્યો ફિલ્મ તાત્કાલિક હટાવવાનો આદેશ

દિલજીત દોસાંઝની ફિલ્મ “સતલુજ” ને ભારતમાં ZEE5 પરથી અચાનક દૂર કરવાના નિર્ણયથી મોટો વિવાદ ઉભો થયો હતો. સરકારી સૂત્રોએ પુષ્ટિ કરી છે કે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે પોતે ZEE5 ને આ ફિલ્મ તાત્કાલિક અસરથી હટાવી દેવાનો કડક નિર્દેશ આપ્યો હતો. સરકારે આ એક્શન પાછળ “સુરક્ષા કારણો” અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021 હેઠળ OTT પ્લેટફોર્મની “જવાબદારીઓ” નો હવાલો આપ્યો છે. સોમવારે આ સત્તાવાર માહિતી બહાર આવી હતી કે કેન્દ્ર સરકારની સૂચના બાદ જ પ્લેટફોર્મે આ પગલું ભરવું પડ્યું હતું.

સેન્સર બોર્ડના 127 કાપ ટાળવા નામ બદલીને રિલીઝ કરી

માહિતી અને પ્રસારણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ સમગ્ર વિવાદનું મૂળ સમજાવતા જણાવ્યું હતું કે, નિર્માતાઓએ વર્ષ 2022 માં આ ફિલ્મના મૂળ શીર્ષક “પંજાબ 95” સાથે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) સમક્ષ થિયેટર રિલીઝના પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. જોકે, ફિલ્મની સંવેદનશીલ સામગ્રીને જોતા સેન્સર બોર્ડે તેમાં લગભગ 127 કાપ (Cuts) મૂકવાની અને ઘણા દ્રશ્યો બદલવાની કડક ભલામણ કરી હતી. ત્રણ વર્ષથી વધુ સમય સુધી આ મામલો અટકેલો રહ્યો કારણ કે નિર્માતાઓએ આ કાપ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. અંતે, નિર્માતાઓએ ફિલ્મનું નામ બદલીને “સતલુજ” કરી નાખ્યું અને સેન્સર બોર્ડની પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ તેને શુક્રવારે સીધી ZEE5 પર કોઈપણ કટ વિના રિલીઝ કરી દીધી.

IT નિયમો, 2021 નું ઉલ્લંઘન અને ભારત વિરોધી તત્વોનો ડર

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિર્માતાઓનું આ પગલું આઈટી નિયમો, 2021 ની જોગવાઈઓનું ખુલ્લું ઉલ્લંઘન કરે છે. વર્તમાન નિયમો હેઠળ, જોકે OTT પ્લેટફોર્મ પર સીધી જ રિલીઝ થતી સામગ્રીને સેન્સર બોર્ડના આગોતરા પ્રમાણપત્રની કાનૂની જરૂરિયાત હોતી નથી, કારણ કે આ પ્લેટફોર્મ્સ IT નિયમો, 2021 ના ભાગ 3 હેઠળ સ્વ-નિયમનકારી પદ્ધતિ દ્વારા સંચાલિત થાય છે. પરંતુ જ્યારે કોઈ વિષયવસ્તુ અત્યંત સંવેદનશીલ હોય, ત્યારે તે સરકારી દેખરેખને આધીન બને છે. અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે “સતલુજ” ના અમુક ભાગો અને દ્રશ્યો એટલા સંવેદનશીલ છે કે તેનો ભારત વિરોધી તત્વો દ્વારા દેશની શાંતિ ડહોળવા માટે દુરુપયોગ થઈ શકે છે. આ રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને કારણે જ ZEE5 ને ફિલ્મ હટાવવા કહેવાયું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાના જીવન પર આધારિત વાર્તા

દિગ્દર્શક હની ત્રેહાન દ્વારા નિર્દેશિત ફિલ્મ “સતલુજ” પંજાબના જાણીતા માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાના જીવનની સત્ય ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મ 1980 અને 1990 ના દાયકામાં આતંકવાદ સામે ઝઝૂમી રહેલા પંજાબની પૃષ્ઠભૂમિ પર બનાવવામાં આવી છે. જસવંત સિંહ ખાલરાએ એ ગાળા દરમિયાન પંજાબમાં હજારો અજાણ્યા અને બિનવારસી મૃતદેહોના કથિત ગેરકાયદેસર અગ્નિસંસ્કાર અને નકલી એન્કાઉન્ટર જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દોઓનો પર્દાફાશ કર્યો હતો. વર્ષ 1995 માં રહસ્યમય સંજોગોમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તે ક્યારેય પાછા ફર્યા નહોતા. ફિલ્મમાં આ ગંભીર અને વિવાદાસ્પદ વિષય હોવાથી સેન્સર બોર્ડ અને સરકાર તેને લઈને ભારે સાવચેતી રાખી રહ્યા છે.

દિલજીત દોસાંઝે લાઈવ થઈને વ્યક્ત કર્યો આત્મસંતોષ

ફિલ્મ ‘સતલુજ’ ને OTT પરથી હટાવ્યાના થોડા જ કલાકો બાદ મુખ્ય અભિનેતા દિલજીત દોસાંઝે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઈને દર્શકો સાથે સીધી વાતચીત કરી હતી. દિલજીતે ખુલાસો કર્યો કે તેમને આ વાતનો અગાઉથી જ અંદાજ હતો. તેમણે કહ્યું, “મેં જે અપેક્ષા રાખી હતી તે જ થયું છે. મેં વિચાર્યું હતું કે સોમવારે સરકારી ઓફિસો ખુલશે ત્યારે આ ફિલ્મ પર પ્રતિબંધ લાગુ થશે, પરંતુ સરકારે રવિવારે સાંજે જ આ એક્શન લઈ લીધો.” જોકે, તેમણે ઉમેર્યું કે 48 કલાકની અંદર ફિલ્મ લાખો લોકો સુધી પહોંચી ગઈ છે અને પંજાબમાં એક ગુરુદ્વારા સાહિબમાં આ ફિલ્મને પ્રોજેક્ટર પર દર્શાવવામાં આવી રહી હતી તે જોઈને તેમને અત્યંત આનંદ મળ્યો છે.

ZEE5 નું સત્તાવાર નિવેદન અને પંજાબના રાજકારણમાં ગરમાવો

બીજી તરફ, OTT પ્લેટફોર્મ ZEE5 એ પણ ફિલ્મને હટાવવાની પુષ્ટિ કરતું નિવેદન જારી કરીને જણાવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, “સતલુજ” આગામી સૂચના સુધી ભારતમાં ઉપલબ્ધ રહેશે નહીં. જોકે, પ્લેટફોર્મ નિયમોનું પાલન કરીને ફિલ્મને પાછી લાવવાના પ્રયાસો ચાલુ રાખશે. આ દરમિયાન ઇન્ટરનેટ પર તેની પાઇરેટેડ કોપી વાયરલ થઈ રહી હોવાથી ZEE5 એ લોકોને પાઇરેસી સપોર્ટ ન કરવા અપીલ કરી છે. આ પગલાથી પંજાબના રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે. પંજાબના અનેક પ્રાદેશિક પક્ષો તેમજ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) એ કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે સખત વાંધો ઉઠાવીને અભિવ્યક્તિની સ્વતંત્રતાના માધ્યમથી ‘સતલુજ’ ફિલ્મને તાત્કાલિક ફરીથી રિલીઝ કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: 3 દિવસ ચાલ્યું ઓડિશન, પછી મેકર્સે કરી ‘ગંદી ડિમાન્ડ’: બિગ બોસ ફેમ રેવા કૌરાસેનો મોટો ખુલાસો

Back to top button