ટ્રેન્ડિંગનેશનલ

લોકતંત્ર અને મતભેદ એકસાથે ચાલી શકે છે… કોર્ટના ઇનકાર બાદ પણ મુંબઈમાં શરૂ થશે મરાઠા અનામત આંદોલન!

મહારાષ્ટ્રઃ 26 ઓગસ્ટ, 2025: Maharashtra Maratha Protest: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટે આંદોલને ફરી એકવાર વેગ પકડ્યું છે. બોમ્બે હાઇકોર્ટે વહીવટીતંત્રની પરવાનગી વિના જાહેર સ્થળોએ આંદોલન કરવાનો ઈનકાર કર્યો છે, પરંતુ ત્યાર બાદ પણ આંદોલનની તૈયારીઓ પૂર્ણ છે. બુધવારે, ગણેશ ચતુર્થીના અવસરે, જરાંગે પાટીલ લાખો સમર્થકો સાથે મુંબઈ તરફ કૂચ કરવા માટે તૈયાર છે.

નોંધનીય છે કે, હાઇકોર્ટે મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલને કડક ચેતવણી આપી છે. કોર્ટે કહ્યું છે કે, જાહેર સ્થળોએ અનિશ્ચિત સમય માટે ધરણા કે આંદોલન કરી શકાશે નહીં, આ વાત ધ્યાનમાં રાખવી પડશે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પાટીલને વહીવટીતંત્રની પરવાનગી વિના વિરોધ કરવાની મંજૂરી નથી.

‘કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેવી જોઈએ’

બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ગણેશોત્સવનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી જોઈએ. ચીફ જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ સંદીપ માર્નેની બેન્ચે સ્પષ્ટ કહ્યું હતું કે, ‘લોકશાહી અને મતભેદો એકસાથે ચાલી શકે છે, પરંતુ આંદોલન ફક્ત નિર્ધારિત સ્થળે જ થવું જોઈએ.’

એવું કહેવામાં આવી રહ્યું છે કે, 29 ઓગસ્ટથી જરાંગે સમર્થકો અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર બેસશે. મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતી મંગળવારે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. કમિશનરે કહ્યું હતું કે, મનોજ જરાંગે પાટીલે હાઈકોર્ટના આદેશનું પાલન કરવું પડશે અને મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી પડશે.

ક્યાં થશે આંદોલન?

આ આંદોલનથી મુંબઈની ગતિ ધીમી ન પડે તે માટે, સરકાર જરાંગે પાટીલને નવી મુંબઈના ખારઘરમાં વિરોધ પ્રદર્શન માટે જગ્યા આપવાનું વિચારી શકે છે.

બીજી બાજુ, જાલનામાં મનોજ જરાંગે જાહેરાત કરી છે કે, અમે મુંબઈના આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરીશું. અમારી ટીમ ફરીથી કોર્ટનો સંપર્ક કરશે. જો અમને પરવાનગી આપવામાં નહીં આવે, તો સમજવું જોઈએ કે આ પાછળ સીએમ ફડણવીસનું કોઈ ષડયંત્ર છે.’

બધુ મૂકીને ચાલો મુંબઈ

મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલ ‘ચલો મુંબઈ’ કૂચના ભાગ રૂપે ગણેશ ચતુર્થીના રોજ સમુદાયના લોકો સાથે કૂચ કરશે. આ કૂચ 27 ઓગસ્ટે મરાઠવાડા પ્રદેશના જાલના જિલ્લાના અંબાડ તાલુકાના તેમના ગામ અંતરવાલી સરતીથી શરૂ થવાનું છે અને બે દિવસ પછી મુંબઈ પહોંચશે. બુધવારથી શરૂ થતી આ રેલી 28 ઓગસ્ટે શિવનેરી કિલ્લા પર પહોંચશે. આ તે સ્થાન છે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો હતો.

ત્યાર બાદ, તે રાજગુરુનગર, ચાકણ, લોનાવાલા, પનવેલ, વાશી અને ચેમ્બુર થઈને બે દિવસ પછી મુંબઈના આઝાદ મેદાન પહોંચશે. 29 ઓગસ્ટથી, આંદોલનકારીઓ મુંબઈના આઝાદ મેદાનમાં અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ શરૂ કરશે. જરાંગેએ મરાઠા સમુદાયના તમામ સભ્યોને આ આંદોલન માટે તેમના વ્યવસાય, તહેવારો, ખેતી, નોકરીઓમાંથી થોડા દિવસનો વિરામ લેવાની અપીલ કરી છે. જો પાટીલનું માનવું હોય તો, મરાઠા અનામત મેળવવા માટેની આ છેલ્લી લડાઈ છે.

શું છે આંદોલનકારીની માંગ

જરાંગે પાટીલ મરાઠાઓ માટે OBC ક્વોટા હેઠળ અનામત, વિરોધ પ્રદર્શન દરમિયાન પોતાના પ્રિયજનો ગુમાવનારાઓના પરિવારોને સરકારી નોકરીઓ, નાણાંકીય સહાય અને વિરોધીઓ સામેના ફોજદારી કેસ પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે. તેમની માંગ છે કે, અનામત OBC ક્વોટામાંથી આવવી જોઈએ, આર્થિક રીતે પછાત વર્ગોના 10 ટકા ક્વોટામાંથી નહીં. પાટીલે મરાઠવાડાના જાલના, બીડ, હિંગોલી, લાતુર, પરભણી, નાંદેડ જિલ્લાઓનો પ્રવાસ કરીને ‘મુંબઈ ચલો’ માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો છે. જે રીતે ભીડ તેમની સાથે જોડાતી જોવા મળી રહી છે, તે સરકાર માટે થોડી મુશ્કેલીનો વિષય બની શકે છે.

આ પણ વાંચોઃ રણબીર-આલિયાના નવા ઘરનો વીડિયો વાયરલ, અભિનેત્રીએ કહ્યું- ‘તાત્કાલિક ડિલીટ કરો’

આ પણ વાંચોઃ ગુજરાત: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા-સલામતી માટે ઐતિહાસિક નિર્ણય

Back to top button