દિલ્હી રમખાણ કેસ: ઉમર ખાલિદને બહેનના લગ્ન માટે 14 દિવસના વચગાળાના જામીન, કોર્ટે મૂકી આકરી શરતો

નવી દિલ્હી: 11 ડિસેમ્બર, 2025: દિલ્હીની ટ્રાયલ કોર્ટે 2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણોના કથિત ‘મોટા કાવતરા’ (Larger Conspiracy) કેસમાં આરોપી ઉમર ખાલિદને મોટી રાહત આપી છે. કોર્ટે ખાલિદને તેની બહેનના લગ્નમાં હાજરી આપવા માટે 14 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટના આદેશ મુજબ, ખાલિદ 16 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી જામીન પર બહાર રહેશે, પરંતુ આ દરમિયાન તેણે કેટલીક કડક શરતોનું પાલન કરવું પડશે.
કેમ માંગ્યા હતા જામીન?
જેલમાં બંધ ઉમર ખાલિદે કરકરડૂમા કોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે તેની બહેનના લગ્ન 27 ડિસેમ્બરે નિર્ધારિત છે. લગ્નની તૈયારીઓ અને પારિવારિક સમારોહમાં તેની હાજરી જરૂરી હોવાથી તેણે 14 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધીની રાહત માંગી હતી. જોકે, કોર્ટે તેને 16 તારીખથી જામીન આપ્યા છે.
કોર્ટે લાદી આકરી શરતો:
ન્યાયાધીશે જામીન આપતા સ્પષ્ટ કર્યું છે કે ઉમર ખાલિદે નીચે મુજબની શરતોનું પાલન કરવું પડશે:
ઉમર ખાલિદે 29 ડિસેમ્બર, 2025ની સાંજે જેલ સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ સરેન્ડર (આત્મસમર્પણ) કરવું પડશે. જામીન સમયગાળા દરમિયાન તે દિલ્હી-NCRની બહાર જઈ શકશે નહીં. તેણે તપાસ અધિકારીને પોતાનો મોબાઈલ નંબર આપવો પડશે, જે સતત ચાલુ રહેવો જોઈએ અને તેનું લાઈવ લોકેશન પણ શેર કરવું પડશે. આ સમય દરમિયાન તે માત્ર પોતાના પરિવાર, સંબંધીઓ અને મિત્રોને જ મળી શકશે. તેણે પોતાના ઘરે અથવા લગ્ન સ્થળે જ રહેવું પડશે.
મહેબૂબા મુફ્તીનો તંત્ર પર કટાક્ષ
ઉમર ખાલિદને જામીન મળ્યા બાદ પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, “આ અત્યંત દુઃખદ અને આશ્ચર્યજનક છે કે ઉમર ખાલિદને બહેનના લગ્ન માટે 13 દિવસના પેરોલ મેળવવા માટે પાંચ વર્ષ રાહ જોવી પડી, જ્યારે બળાત્કાર અને હત્યાના દોષિત ગુરમીત રામ રહીમ જેવા લોકો વારંવાર પેરોલ પર છૂટતા રહે છે.” તેમણે દેશની ન્યાય પ્રણાલીમાં રહેલી અસમાનતા અને પક્ષપાત પર સવાલો ઉઠાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઉમર ખાલિદ સપ્ટેમ્બર 2020થી જેલમાં બંધ છે અને તેના પર UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવતો કાયદો) હેઠળ ગંભીર આરોપો છે. અત્યાર સુધી તેને આ કેસમાં નિયમિત જામીન મળી શક્યા નથી.












