ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

શાંતિ સમજૂતી બાદ કાચા તેલના ભાવમા ઘટાડો, સામાન્ય જનતાને મળશે રાહત

Crude oil prices to come down : આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સોમવારે ભારે ઘટાડો નોંધાયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી થયા બાદ વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ અને WTI ક્રૂડના ભાવમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ ઘટનાને વૈશ્વિક અર્થતંત્ર અને સામાન્ય લોકો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે.

માહિતી મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને સૈન્ય સંઘર્ષનો અંત આવ્યો છે. બંને દેશો વચ્ચે થયેલી શાંતિ ડીલ બાદ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગોમાંથી એક એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખુલ્લો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સાથેની ડીલ હવે પૂર્ણ થઈ ગઈ છે અને અમેરિકન નૌકાદળની નાકાબંધી હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ ઈરાને પણ આ સમજૂતીને યુદ્ધનો “તાત્કાલિક અંત” ગણાવ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વિશ્વના આશરે 20 ટકા કાચા તેલની સપ્લાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે થાય છે. આ માર્ગ ફરી ખુલતા વૈશ્વિક સપ્લાય ચેઇન સામાન્ય બનવાની આશા છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ 3.95 ટકા ઘટીને પ્રતિ બેરલ 83.88 ડોલર પર આવી ગયા છે. જ્યારે અમેરિકન WTI ક્રૂડના ભાવ 4.68 ટકા ઘટીને 80.91 ડોલર પ્રતિ બેરલ થયા છે.

ભારત માટે પણ આ સમાચાર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા કાચું તેલ આયાત કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી વધતા વૈશ્વિક તણાવને કારણે પેટ્રોલ, ડીઝલ અને LPGના ભાવ પર દબાણ વધી રહ્યું હતું. હવે કાચા તેલના ભાવ ઘટતા આગામી સમયમાં દેશમાં પેટ્રોલ-ડીઝલ તેમજ ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા આ મોટા ફેરફારથી સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત મળી શકે છે અને વૈશ્વિક અર્થતંત્રને પણ સ્થિરતા મળવાની આશા વધી છે.

આ પણ વાંચો : પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટર પર પોલીસે નોટિસ ચોંટાડી

Back to top button