હવે છેતરપીંડીમાં પણ છવાયા ડોનાલ્ડ ટ્રમ્પ, લૂંટી લીધા કરોડો રૂપિયા, પોલીસે AI સ્કેમ પર કર્યો મોટો ખુલાસો

બેંગલુરુ, 27 મે, 2025: કર્ણાટકમાં એક અનોખા અને ખતરનાક સાયબર ફ્રોડે પોલીસ અને લોકોને ચોંકાવી દીધા છે. આ વખતે ઠગોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો નકલી વીડિયો બનાવ્યો છે અને લોકોને એક બનાવટી રોકાણ ઍપ દ્વારા કોરોડોનો ચૂનો લગાવી દીધો છે. 200થી વધુ લોકો આ સ્કેમ (છેતરપીંડી)નો શિકાર બન્યા છે અને પોલીસના અનુસાર હાલમાં આ શિકાર બનનારાઓની સંખ્યા વધી શકે છે. અત્યાર સુધી આશરે 2 કરોડ રૂપિયાની છેતરપીંડી થઇ હોવાની પુષ્ટિ થઇ છે.
કેવી રીતે થયો ગોટાળો?
એક પ્રકાશિત અહેવાલ અનુસાર કર્ણાટકના હાવેરી જિલ્લાની પોલીસે જણાવ્યુ હતુ કે આ છેતરપીંડીમાં એક ઍપ બનાવી હતી જેનું નામ હતું ‘Donald Trump Rental App’. સોશિયલ મીડિયા અને યૂટ્યૂબ પર આ એપ સાથે સંકળાયેલા શોર્ટ વીડિયો ચલાવવામાં આવી હતી. જેમાં ટ્રમ્પની AIની બનેલી એક નકલી ક્લિપ બતાવવામાં આવી હતી.
જેનાથી લોકો લિંક પર ક્લિક કરતા હતા, જેમાં તેમને ડાઉનલોડ કરવાનું કહેવામાં આવતુ હતું, બાદમાં ઍપ પર રજિસ્ટ્રેશન ફી લેવામા આવતી હતી અને ધીરે ધીરે રકમ જમા કરાવવામાં આવતી હતી. એક વાર પૈસા જમા થઇ ગયા બાદ ઍપ અને ઠગ બન્ને ગાયબ થઇ જતા હતા.
વકીલ સાથે થઇ 6 લાખની છેતરપીંડી
એક 38 વર્ષના વકીલે જણાવ્યું હતુ કે તેમણે જાન્યુઆરીથી એપ્રિલ 2025ની વચ્ચે આ સ્કીમમાં આશરે 6 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. તેમણે કહ્યુ કે મે યૂટ્યૂબ પર એક શોર્ટ જોવા મળ્યુ હતું, જેમાં ટ્રમ્પ હોટેલમા રોકાણ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. લિંક પર ક્લિક કરવાથી મને ઍપ ડાઉનલોડ કરવાનુ કહેવામાં આવ્યું હતું. પહેલા 1500 રૂપિયા જમા કરાવ્યા, બાદમાં દરરોજ 30 રૂપિયા એકાઉન્ટમાં આવવા લાગ્યા હતા, તેથી વિશ્વાસ વધ્યો હતો અને મે ધીરે ધીરે 1 લાખ રૂપિયા સુધીનું રોકાણ કર્યુ હતું.” વકીલે જણાવ્યુ હતુ કે તેમણે કરના નામે પૈસા માંગ્યા હતા અને જ્યારે તેમણે તે પણ આપી દીધા તો કોઇ રિટર્ન મળ્યુ ન હતું અને ઍપ ગાયબ થઇ ગઇ હતી.
બેંગલુરુ, તુમકુરુ અને મેંગલુરુમાં પણ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી
હાવેરી ઉપરાંત, કર્ણાટકના અન્ય જિલ્લાઓ જેમ કે બેંગલુરુ, તુમકુરુ અને મેંગલુરુમાં પણ ઘણા લોકો આ છેતરપીંડીનો ભોગ બન્યા છે. પોલીસને અત્યાર સુધીમાં ફક્ત હાવેરીમાંથી 15થી વધુ ફરિયાદો મળી છે અને પોલીસ અન્ય પીડિતોને આગળ આવીને ફરિયાદ નોંધાવવા અપીલ કરી રહી છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સોશિયલ મીડિયા ઠગોના નવા હથિયાર બની ગયા છે
આ કેસમાં ખાસ વાત એ છે કે AI ટેકનોલોજીનો દુરુપયોગ કરીને, છેતરપિંડી કરનારાઓએ એક એવો વીડિયો બનાવ્યો જે ડોનાલ્ડ ટ્રમ્પ જેવો દેખાય છે અને બોલે છે. સામાન્ય લોકો આ પ્રકારની ટેકનોલોજીથી છેતરાયા હતા, ખાસ કરીને જ્યારે તેઓ દરરોજ પૈસા આવતા જોતા હતા. વકીલે દાવો કર્યો હતો કે તેમણે ઘણા લોકોને આ કૌભાંડનો ભોગ બનતા જોયા છે. પોલીસે વધુમાં કહ્યું કે, “સરકારી કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ પણ આ જાળમાં ફસાયેલા છે.”
આ તો ફક્ત શરૂઆત હોઈ શકે છે
આ કિસ્સાએ સાબિત કર્યું છે કે AI અને નકલી વીડિયોનું મિશ્રણ હવે છેતરપિંડી કરનારાઓ માટે એક નવું સાધન બની ગયું છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર “ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્વેસ્ટમેન્ટ” અથવા “હાઇ રિટર્ન સ્કીમ” જેવો કોઈ વીડિયો જોયો હોય, તો તરત જ સાવધાન થઈ જાઓ. પોલીસ અપીલ કરે છે કે જો તમે પણ કોઈ નકલી એપ કે સ્કીમનો ભોગ બન્યા હોય તો, તો વિલંબ કર્યા વિના નજીકના પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરો.
આ પણ વાંચોઃ વોલ્વો કાર્સ ખર્ચ ઘટાડવા 3000 લોકોની કરશે છટણી












