ટોપ ન્યૂઝનેશનલ

અમેરિકા પર શશી થરૂરનો જોરદાર પ્રહાર: ભારતીયોના મૃત્યુ મામલે દોસ્તી પર ઉઠાવ્યા ગંભીર સવાલો

Shashi Tharoor Questions US Navy Actions: ઓમાનના દરિયાકાંઠે પલાઉનો ધ્વજ ધરાવતા વાણિજ્યિક જહાજ ‘એમટી સેટેબેલો’ (MT Setebello) પર યુએસ નેવી દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલાએ મોટો રાજદ્વારી વિવાદ સર્જ્યો છે. આ સામાન્ય વેપારી જહાજ પર સવાર કુલ 24 ભારતીય ખલાસીઓમાંથી 21 ને બચાવી લેવાયા છે, જ્યારે 3 ભારતીય નાગરિકોના મોત નીપજ્યા છે. અમેરિકાના આ ઘમંડી વલણ અને માફી ન માંગવાની નીતિ સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સીધો પ્રશ્ન ઉઠાવતા પૂછ્યું છે કે, “શું ભારતીયોના જીવનની કોઈ કિંમત નથી?” ભારતનો વ્યૂહાત્મક ભાગીદાર ગણાતો દેશ આટલો બેદરકાર કેવી રીતે હોઈ શકે.

હોર્મુઝ સ્ટ્રેટ નાકાબંધી અને અમેરિકાની ઘાતક કાર્યવાહી

અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ પર કડક નાકાબંધી લાદી છે, જે અંતર્ગત તેમની પરવાનગી વિના કોઈ જહાજ પસાર થઈ શકતું નથી. યુએસ નેવીએ દાવો કર્યો હતો કે આ ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતું જહાજ તેમના આદેશોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું, જેના કારણે તેમણે હુમલો કર્યો. આ અંગે શશિ થરૂરે ગંભીર સવાલો ઉઠાવતા પૂછ્યું કે, જો જહાજ આદેશોનું પાલન નહોતું કરતું તો શું સીધો મિસાઇલ હુમલો કરવો જરૂરી હતો? શું કોઈ પણ જાનહાનિ વિના જહાજના એન્જિન અથવા તેની દિશાને રોકી શકાય તેમ નહોતું? તેમણે ચિંતા વ્યક્ત કરી કે વૈશ્વિક દરિયાઈ માર્ગો પર મોટાભાગના વેપારી જહાજોમાં ભારતીય ખલાસીઓ હોય છે, તો શું હવે તે બધા અમેરિકન મિસાઇલોના નિશાના પર છે?

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વિદેશ મંત્રી એસ. જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે તીખી ચર્ચા

આ ભયાનક ઘટના બાદ ભારતે વૈશ્વિક સ્તરે સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે સીધી વાતચીત કરીને ભારતની ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે સામાન્ય વેપારી જહાજો સામે આવી ઘાતક લશ્કરી કાર્યવાહી કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. શનિવારે માર્કો રુબિયોએ સામો સંપર્ક કરીને અમેરિકાનું કડક વલણ દોહરાવ્યું હતું કે તેઓ હોર્મુઝ ક્ષેત્રમાં પોતાની નાકાબંધીનું ઉલ્લંઘન સહન કરશે નહીં. શશિ થરૂરે આશા વ્યક્ત કરી છે કે જયશંકરે આ વાર્તાલાપ દરમિયાન અમેરિકાને ભારતની સાર્વભૌમત્વ અને નાગરિકોની સુરક્ષા અંગે કડક શબ્દોમાં સંદેશ આપ્યો હશે.

ભારતે યુએસ રાજદૂતને સમન્સ પાઠવ્યું

રાજદ્વારી સ્તરે પગલાં લેતા ભારતે નવી દિલ્હીમાં કાર્યકારી અમેરિકી રાજદૂતને વિદેશ મંત્રાલયમાં બોલાવીને (Summon) સખત શબ્દોમાં વિરોધ પત્ર સોંપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ભારતીય ખલાસીઓને લઈ જતા જહાજો પર આવા હુમલા તાત્કાલિક અસરથી બંધ થવા જોઈએ. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાનો માર્ગ માત્ર પરસ્પર વાતચીત અને રાજદ્વારી ચેનલો દ્વારા જ શોધી શકાય છે, હિંસા દ્વારા નહીં.

આ પણ વાંચો: છાણાના ઢગલામાં સંતાડી હતી રોકડ… રામ મંદિર કર્મચારીના ઘરેથી 10 લાખ મળ્યા, પિતાએ જણાવી આખી કહાની

Back to top button