કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કુરનની સરહદી શાળામાં 28મીએ સીએમ કરાવશે પ્રવેશોત્સવ: કચ્છમાં આજથી શિક્ષણનો ધમધમાટ  

ભુજ, 26 જુન 2025: Praveshotsav કચ્છ  જિલ્લાની  શાળાઓમાં તા.26 અને 28 જૂન ના  “શાળા પ્રવેશોત્સવ”  ની ઉજવણી  કરવામાં આવશે જેમાં રાજ્ય ના 14 ઉચ્ચ અધિકારી, સાંસદ ,ધારાસભ્યો, ક્લેક્ટર, ડીડીઓ, પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ વડા સહિતના મહાનુભવોના હસ્તે  બાળકો ને પ્રવેશ આપવામાં આવશે. વિશેષ માં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 28 જૂન ભુજના સરહદી ગામ કુરન ગામે હાજર રહી  બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવશે.

જ્ઞાન શક્તિ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલોને આવરી લેવાશે

જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, મહાનુભાવો શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી માં ભાગ લાઇ બાળકોને પ્રવેશ અપાવશે. ખાસ કરી ને  મુખ્યમંત્રી આવવાના હોવાના કારણે  સરહદી જિલ્લા ના છેવાડા નાં ગામ એવા કુરન ગામ  સહિત  સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ પ્રવર્તિ રહ્યો છે. આ વખતે  સમગ્ર કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ઉપરાંત જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ,રક્ષા શક્તિ સ્કૂલોને પણ આવરી લેવાશે.

આ સંખ્યામાં બાળકોને પ્રવેશ કરાવાશે

બાલવાટિકામાં 30282, ધોરણ 1માં 39064, ધોરણ 9માં 38075 અને 11મા ધોરણમાં 19764 બાળકોને પ્રવેશ કરાવશે.  આ દિવસે જ ધોરણ 9ની કન્યાઓને ‘નમો લક્ષ્મી’ યોજના તેમજ ધોરણ 11 (વિજ્ઞાન પ્રવાહ)માં કન્યા અને કુમાર બન્નેને ‘નમો સરસ્વતી’ યોજના અંતર્ગત લાભ આપવાની શરૂઆત કરવામાં આવશે. શાળાનાં પ્રાંગણમાં ઔષધિય તેમજ ફળાઉ રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવશે.

અભ્યાસ મૂકનારી કન્યાઓને પુન:પ્રવેશનો પ્રયાસ

કચ્છની સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ધોરણ 1 થી 12 નો અભ્યાસ મૂકી દીધેલ મહત્તમ કન્યાઓનો પુનઃ પ્રવેશ કરાવવા માટે સઘન પ્રયાસ કરવામાં આવશે. એસ.એમ.સી. અને એસ.એમ.ડી.સી.ના સભ્યો સાથે શાળા વિકાસ બાબતે અધિકારી તથા પદાધિકારીઓ સૂચનો અને અભિપ્રાય મેળવવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં બાળકો દ્વારા  જ કરવામાં આવશે.એવું જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી ભૂપેન્દ્ર સિંહ વાઘેલાએ જણાવ્યું હતું.

કચ્છના સાંસદ સહિતના અગ્રણીઓ જોડાશે

કચ્છ મોરબીના  સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ  જનકસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વિરમભાઇ ગઢવી, કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી  ઉત્સવ ગૌતમ , પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ વિકાસ સુંડા , પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ સાગર બાગમાર તેમજ  ધારાસભ્યો પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અનિરુધ્ધ્ભાઈ દવે, કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા તેમના  વિધાનસભા મત વિસ્તાર ખાતેથી પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવશે.

આ પણ વાંચો: 26 જૂન, 2025, ગુરૂવારઃ સિંહ રાશિના લોકો આજે એક સારા દિવસ માટે તૈયાર રહો

આ પણ વાંચો: 28 જૂનથી શુક્ર બનાવશે માલવ્ય રાજયોગ, આ રાશિઓને થશે ફાયદો

Back to top button