રિલાયન્સ સામે FIR ની માંગ પર CBI એ બોમ્બે હાઇકોર્ટને કહ્યું- ‘અરજી રદ કરો’

નવી દિલ્લી: 24 ફેબ્રુઆરી 2026: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ બોમ્બે હાઈકોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે જો ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) અથવા કેન્દ્ર સરકાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) વિરુદ્ધ તપાસની માંગ કરશે, તો જ એજન્સી પગલાં લેશે. કોઈ ત્રીજા પક્ષની અરજી પર FIR નોંધી શકાય નહીં.
શું છે સમગ્ર વિવાદ?
આ મામલો આશરે અઢી દાયકા જૂનો છે. વર્ષ 2000માં કેન્દ્ર સરકારે RIL અને નિકો લિમિટેડ સાથે કૃષ્ણા-ગોદાવારી (KG) બેસિનમાં પેટ્રોલિયમ સંશોધન માટે કરાર કર્યો હતો. તેની બાજુમાં જ ONGC ને બ્લોક ફાળવવામાં આવ્યા હતા. 2013માં ONGC એ દાવો કર્યો હતો કે બંને બ્લોક્સ વચ્ચે ગેસ ભંડાર જોડાયેલા છે અને RIL ના બ્લોકમાં ગેસ ‘માઈગ્રેટ’ (સ્થળાંતરિત) થયો છે, જેનાથી સરકારી તિજોરીને નુકસાન થયું છે.
CBI એ કોર્ટમાં શું કહ્યું?
સામાજિક કાર્યકર જિતેન્દ્ર મારુની અરજી પર સુનાવણી દરમિયાન CBI ના એસપી બી.બી. ચક્રવર્તીએ સોગંદનામું રજૂ કર્યું હતું કે, CBI મુજબ આ મામલો સિવિલ પ્રકૃતિનો છે અને તેમાં કોઈ ફોજદારી ગુનો બનતો નથી. અરજદાર મારુ આ કેસમાં ‘થર્ડ પાર્ટી’ છે. અત્યાર સુધી ન તો કેન્દ્રએ કે ન તો ONGC એ FIR માટે વિનંતી કરી છે. આ મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે, તેથી ત્રીજા પક્ષની અરજી ટકી શકે તેમ નથી.
કેસની પૃષ્ઠભૂમિ
વર્ષ 2015ના એક સ્વતંત્ર રિપોર્ટમાં બંને બ્લોક્સ વચ્ચે કનેક્ટિવિટી હોવાની વાત સ્વીકારવામાં આવી હતી. તેના આધારે કેન્દ્રએ RIL પાસે કરોડો ડોલરની માંગણી કરી હતી. RIL આ મામલે આર્બિટ્રેશનમાં ગયું જ્યાં ચુકાદો તેમની તરફેણમાં આવ્યો, પરંતુ બાદમાં દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રની તરફેણમાં નિર્ણય આપ્યો હતો.












