સેબીએ PMS માટે નવું નોટિફિકેશન જારી કર્યું: પોર્ટફોલિયો મેનેજરો હવે IPO અને ડેટ ઇશ્યુમાં કરી શકશે રોકાણ

SEBI Notifies New PMS Regulations 2026: બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ (PMS) માટે એક નવું અને સુધારાત્મક માળખું સૂચિત કર્યું છે. આ નવા સુધારાઓથી પોર્ટફોલિયો મેનેજરો માટે રોકાણના વિકલ્પોમાં મોટો વધારો થયો છે. સેબી દ્વારા 7 ઓક્ટોબરના રોજ જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, ‘સેબી (પોર્ટફોલિયો મેનેજર્સ) રેગ્યુલેશન્સ, 2026’ હાલના 2020 ના ફ્રેમવર્કનું સ્થાન લેશે. આ નવા નિયમો 1 એપ્રિલ 2027 થી સમગ્ર દેશમાં અમલમાં આવશે.
પોર્ટફોલિયો મેનેજરો માટે રોકાણના નવા દ્વાર ખુલ્યા
નવા PMS માળખા હેઠળ, પોર્ટફોલિયો મેનેજરો હવે તેમના ગ્રાહકો વતી IPO માં સીધું રોકાણ કરી શકશે. આ ઉપરાંત, તેઓ પ્રાથમિક બજારમાં ડેટ સિક્યોરિટીઝ ઇશ્યુઅન્સમાં પણ રોકાણ કરવા માટે પાત્ર બનશે. સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કે ટ્રેડેડ સિક્યોરિટીઝ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વિદેશી સિક્યોરિટીઝ, અનલિસ્ટેડ સિક્યોરિટીઝ અને એક્સચેન્જ-ટ્રેડેડ ડેરિવેટિવ્ઝમાં પણ રોકાણ કરવાની પરવાનગી આપવામાં આવી છે. મોટા મૂલ્યના માન્યતા પ્રાપ્ત રોકાણકારો પોતાની કુલ સંપત્તિ (AUM) ના 100% સુધી અનલિસ્ટેડ સિક્યોરિટીઝમાં રોકાણ કરી શકશે.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે PRIM રૂટની શરૂઆત
સેબીએ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સમાં રોકાણ કરવા માટે ‘પોર્ટફોલિયો મેનેજર્સ રૂટ’ (PRIM) નામનો એક વિશેષ માર્ગ રજૂ કર્યો છે. આ સુવિધાથી પોર્ટફોલિયો મેનેજર્સ પોતાના ક્લાયન્ટ્સના ફંડને મ્યુચ્યુઅલ ફંડ્સના ડાયરેક્ટ પ્લાન્સમાં રોકાણ કરી શકશે, જેમાં ETF, ઇન્ડેક્સ ફંડ્સ અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) ના સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (SIFs) નો સમાવેશ થાય છે. PRIM માર્ગ માટે લઘુત્તમ રોકાણ મર્યાદા ₹25 લાખ નક્કી કરવામાં આવી છે, જ્યારે માત્ર PRIM ઓફર કરતી એન્ટિટીઓએ ઓછામાં ઓછી ₹2 કરોડની નેટવર્થ જાળવવી ફરજિયાત રહેશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સ્વતંત્ર ફંડ મેનેજરોનો નવો ખ્યાલ અને લાયકાતમાં રાહત
નિયમનકારે બજારમાં સ્વતંત્ર ફંડ મેનેજરો (Independent Fund Managers) નો નવો ખ્યાલ દાખલ કર્યો છે. આ નિષ્ણાતો રજિસ્ટર્ડ પોર્ટફોલિયો મેનેજરો સાથે મળીને ગ્રાહકોના પોર્ટફોલિયોનું સંચાલન કરી શકશે, જોકે તમામ પ્રવૃત્તિઓની અંતિમ જવાબદારી રજિસ્ટર્ડ મેનેજરની જ રહેશે. આ ઉપરાંત, સેબીએ પ્રિન્સિપાલ ઓફિસર્સ માટેની શૈક્ષણિક લાયકાતમાં મોટી રાહત આપતાં હવે કોઈપણ ક્ષેત્રના સ્નાતકોને (Graduates) પણ આ પદ માટે લાયક ગણ્યા છે. સેબી બોર્ડે સપ્ટેમ્બર માસમાં આ તમામ દરખાસ્તોને મંજૂરી આપી હતી.
આ પણ વાંચો: SBIના ગ્રાહકો સાવધાન! ખાતામાં અચાનક પૈસા જમા થાય તો ખુશ ન થતાં, એક ભૂલથી ખાલી થઈ શકે છે ખાતું












