ગુજરાત IPO રેસમાં અગ્રેસર: FY26 ના પ્રથમ ક્વાર્ટરમાં સૌથી વધુ કંપનીઓ થઈ લિસ્ટ
અમદાવાદ, તા. 4 ઓગસ્ટ, 2025: ગુજરાત IPO (પ્રારંભિક જાહેર ભરણાં)ની રેસમાં અગ્રેસર રહ્યું છે. નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટર એપ્રિલ-જૂન 2025 સૌથી વધુ કંપનીઓ ગુજરાતમાંથી શેરબજારમાં લિસ્ટેડ થઈ છે. રાજ્યની કુલ 14 કંપનીઓ NSE અને BSE પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ હતી અને સંયુક્ત રીતે રૂ. 3495 કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું હતું. ગુજરાતની કંપનીઓએ મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા મોટા રાજ્યોને પાછળ રાખી દીધા હતા.
ગુજરાતી કંપનીઓએ કેટલા કરોડ એકત્ર કર્યા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, એપ્રિલ-જૂન 2025 દરમિયાન મેઇન બોર્ડ અને NSE એક્સચેન્જ એમ બંને પર ગુજરાત સ્થિત નવ કંપનીઓએ લિસ્ટિંગ કર્યું અને રૂ. 3374 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું. NSE લિસ્ટિંગની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર ગુજરાતની બરોબરી પર હતું, પરંતુ ભંડોળ એકત્ર કરવામાં સહેજ પાછળ રહ્યું હતું. મહારાષ્ટ્રની કંપનીઓએ રૂ. ૩,૩૦૦ કરોડ એકત્ર કર્યા હતા.
ગુજરાત કંપનીઓની સંખ્યાની દ્રષ્ટિએ અગ્રેસર
BSE SME પ્લેટફોર્મ પર પણ, ગુજરાત કંપનીઓની સંખ્યાની દ્રષ્ટિએ અગ્રેસર રહ્યું હતું. પાંચ કંપનીઓએ રૂ. 121.6 કરોડ એકત્ર કર્યા હતા, જે ક્વાર્ટર દરમિયાનના કુલ SME IPOs ના લગભગ ત્રીજા ભાગ જેટલા હતા. NSE એ નોંધ્યું કે, પ્રથમ ક્વાર્ટરમાં લિસ્ટેડ થયેલી કંપનીઓમાં ગુજરાત નવ લિસ્ટિંગ સાથે અગ્રેસર રહ્યું હતું. જે મૂડી બજાર પ્રવૃત્તિમાં રાજ્યના વધતા પ્રભુત્વને દર્શાવે છે.
રાષ્ટ્રીય સ્તરે, IPO પ્રવૃત્તિના ક્ષેત્રવાર વિભાજનથી ઔદ્યોગિક, કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં વ્યાપક રોકાણકારોની રુચિ જોવા મળી હતી. ઔદ્યોગિક ક્ષેત્ર 13 કંપનીઓ સાથે અગ્રેસર રહ્યું હતું, તેમણે રૂ. 2176 કરોડ એકત્ર કર્યા હતા. ત્યારબાદ કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી ક્ષેત્રની આઠ કંપનીઓએ જંગી રૂ. 9033 કરોડ એકત્ર કર્યા હતા, જે ભંડોળની દ્રષ્ટિએ સૌથી વધારે હતા. ઊર્જા ક્ષેત્રે ફક્ત બે લિસ્ટિંગ જોવા મળ્યા, પરંતુ નોંધપાત્ર રૂ. 2873 કરોડ એકત્ર કર્યા હતા.
BSE SME ડેટા અનુસાર, પ્રથમ ક્વાર્ટરમાં એક્સચેન્જના SME પ્લેટફોર્મ પર 12 કંપનીઓ લિસ્ટેડ થઈ હતી. તેમણે કુલ રૂ. 387.26 કરોડ એકત્ર કર્યા હતા. ગુજરાત પાંચ લિસ્ટિંગ સાથે અગ્રેસર રહ્યું હતું. ત્યારબાદ મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ હતા.
એસોસિયેશન ઓફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર વૈભવ શાહે આ વલણનો શ્રેય ગુજરાતના ઉદ્યોગસાહસિકોમાં મજબૂત ગવર્નન્સ અને વધતી ઇક્વિટી જાગૃતિને આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, ગુજરાત સ્થિત કંપનીઓએ તાજેતરના વર્ષોમાં ઝડપી વૃદ્ધિ જોઈ છે. ઘણી હવે આક્રમક વિસ્તરણ તરફ નજર કરી રહી છે અને IPOs તે માટેનો શ્રેષ્ઠ રસ્તો છે.
આ પણ વાંચોઃ ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન શિબુ સોરેનનું નિધન, જાણો કેવી છે રાજકીય કરિયર












