સુરત સામૂહિક આપઘાત કેસમાં પોલીસને મોટી સફળતા: પરિવારને મરવા મજબૂર કરનાર આરોપી વૈભવ રુંગટા દિલ્હીથી ઝડપાયો

સુરત 27 ફેબ્રુઆરી 2026: સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ‘હેપી એલિગન્સ’ બિલ્ડિંગમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના સામૂહિક આપઘાતની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી હતી. મૂળ બિહારના અને સુરતમાં રહીને શેરબજારનું કામ કરતા બાલમુકુન્દ ખેતાને પોતાની પત્ની અને બે માસૂમ પુત્રીઓ સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કરુણ ઘટનામાં બાલમુકુન્દ, તેમની પત્ની અને એક પુત્રીના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક પુત્રીનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી હતી.
પોલીસને ઘટનાસ્થળેથી મળેલી ત્રણ પાનાની સુસાઈડ નોટમાં આપઘાત પાછળના જવાબદાર કારણોનો પર્દાફાશ થયો હતો. સુસાઈડ નોટમાં વૈભવ રુંગટા નામના શખસના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે બાલમુકુન્દને નાણાકીય બાબતે અને માનસિક રીતે સતત પ્રતાડિત કરતો હતો. આરોપી વૈભવ રુંગટાએ મૃતક બાલમુકુન્દની ગાડી અને ક્રેડિટ કાર્ડ પણ બળજબરીથી પડાવી લીધા હતા. આરોપીએ ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરી મનફાવે તેમ શોપિંગ કરીને પરિવાર પર આર્થિક બોજ વધારી દીધો હતો. આ સતત થઈ રહેલા શોષણ અને ત્રાસથી કંટાળીને અંતે પરિવારે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી, જેના અંતે મુખ્ય આરોપી વૈભવ રુંગટાને દિલ્હીથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપીની ધરપકડ બાદ તેને દિલ્હીની કોર્ટમાં રજૂ કરી સુરત લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્ટે આરોપીને સુરત કોર્ટમાં હાજર થવાનું ફરમાન કર્યું છે, જ્યાં પોલીસ તેના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરશે. આ કેસમાં ક્રેડિટ કાર્ડના વ્યવહારો અને અન્ય નાણાકીય પાસાઓની ઊંડી તપાસ કરવામાં આવશે જેથી ભોગ બનનાર પરિવારને પૂરેપૂરો ન્યાય મળી શકે.
આ પણ વાંચો: વડોદરા એક્સપ્રેસ હાઈવે પર LCBનો મોટો દરોડો: ગોવાથી આણંદ જતી ટ્રકમાંથી રૂ. 1.47 કરોડનો દારૂ ઝડપાયો











