ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું, જાણો સીડીએસ અનિલ ચૌહાણે દેશના સૈનિકોને શું આપી સલાહ?

નવી દિલ્હી, તા. 25 જુલાઈ, 2025: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓની હત્યાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા લીધો હતો. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો. આજે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ  જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજી પણ ચાલુ છે. દિલ્હીમાં આયોજિત એક સંરક્ષણ સેમિનારમાં CDS જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે સેના માટે શસ્ત્ર (યુદ્ધ) અને શાસ્ત્ર (જ્ઞાન) બંને શીખવા જરૂરી છે. પહેલગામ હુમલા બાદ ભારતે આતંકવાદીઓ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરી હતી. ભારતીય સેનાએ 7 મેની રાત્રે ગુલામ કાશ્મીર અને પાકિસ્તાનમાં હાજર આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. સેનાના જણાવ્યા અનુસાર, આ ઑપરેશનમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આજનું યુદ્ધ ફક્ત બંદૂક અને ટેન્ક પૂરતું સીમિત નથી: CDS

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફે આધુનિક યુદ્ધની બદલાતી વ્યૂહરચનાઓ પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આજની લડાઈઓ પરંપરાગત સીમાઓમાં પૂરતી મર્યાદીત નથી. આજના સમયમાં યુદ્ધ  ટેકનિકલ રીતે ખૂબ જટિલ બની ગયા છે. આજનું યુદ્ધ ફક્ત બંદૂક અને ટેન્ક પૂરતું મર્યાદીત નથી રહ્યું. આજના સમયમાં એક યોદ્ધાને વ્યૂહાત્મક, સંચાલન અને રણનીતિક સ્તરો પર એકસાથે નિપુણ હોવું પડશે. તેમને જમીન, જળ, વાયુની સાથે-સાથે સાયબર અને કોગ્નિટિવ વોરફેર જેવા નવા યુદ્ધ ક્ષેત્રોમાં પણ સક્ષમ થવું પડશે.

જનરલ ચૌહાણે કન્વર્જન્સ વોરફેર શબ્દનો પ્રયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં કાઇનેટિક અને નોન-કાઇનેટિક (પરંપરાગત અને ડિજિટલ) યુદ્ધ એકબીજામાં ભળી રહ્યા છે. પહેલી અને બીજી પેઢીના યુદ્ધ આજે ત્રીજી પેઢીના સાયબર અને AI આધારિત યુદ્ધ સાથે સંમિશ્રિત થઈ ચૂક્યા છે. જનરલ ચૌહાણે ભવિષ્યમાં યુદ્ધના સ્વરૂપનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભવિષ્યમાં બોર્ડર પર લડી શકે તેવા હાઈબ્રિડ વોરિયરની જરૂર પડશે.

Back to top button