2027ના વન ડે વર્લ્ડ કપને લઈ થઈ મોટી જાહેરાત, જાણો ક્યાં રમાશે તમામ મેચ
જોહાનિસબર્ગ, તા. 22 ઓગસ્ટ, 2025: 2027માં યોજાનારા ICC પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મેગા ઈવેન્ટનું સંયુક્ત આયોજન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા કરવામાં આવશે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (CSA) એ આ ટુર્નામેન્ટ માટે પસંદ કરાયેલા સ્ટેડિયમોની જાહેરાત કરી દીધી છે, જ્યાં કુલ 54 મેચો રમાશે. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે બીજી વાર સંયુક્ત રીતે વર્લ્ડ કપની મેજબાની કરશે, જ્યારે નામિબિયા પ્રથમ વખત આ મોટા ટુર્નામેન્ટનું આયોજન કરશે.
કયા સ્ટેડિયમોમાં મેચ રમાશે?
આ વર્લ્ડ કપની કુલ 54 મેચોમાંથી 44 મેચો દક્ષિણ આફ્રિકામાં રમાશે, જ્યારે બાકીની 10 મેચ ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાશે. દક્ષિણ આફ્રિકામાં આઠ સ્ટેડિયમોની પસંદગી કરવામાં આવી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- જોહાનિસબર્ગ – વાંડરર્સ સ્ટેડિયમ
- કેપ ટાઉન – ન્યુલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ
- ડરબન – કિંગ્સમીડ ક્રિકેટ ગ્રાઉન્ડ
- પ્રીટોરિયા – સેંચુરિયન પાર્ક
- બ્લોમફોન્ટેન – મંગાઉંગ ઓવલ
- ગકેબેર્હા – સેન્ટ જ્યોર્જ પાર્ક
- ઈસ્ટ લંડન – બફેલો પાર્ક
- પાર્લ – બોલેન્ડ પાર્ક
આ તમામ મેદાનો તેમની શ્રેષ્ઠ સુવિધાઓ અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતા છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ નાણાં મંત્રી ટ્રેવર મેન્યુઅલ આ સ્થાનિક આયોજન સમિતિના વડા તરીકે કાર્યભાર સંભાળશે. CSAના પ્રમુખ પર્લ માફોશેએ કહ્યું કે, “CSAનો ઉદ્દેશ્ય એક વૈશ્વિક અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવાનો છે, જે દક્ષિણ આફ્રિકાની વિવિધતા, સમાવેશ અને એકતાને પ્રતિબિંબિત કરશે.”
ટુર્નામેન્ટનું ફોર્મેટ કેવું હશે?
2027ના વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો ભાગ લેશે અને તેનું ફોર્મેટ 2003ના વર્લ્ડ કપ જેવું જ હશે. આ ટુર્નામેન્ટમાં બે ગ્રુપ હશે, જેમાં દરેક ગ્રુપમાં સાત ટીમોનો સમાવેશ થશે. જણાવી દઈએ કે, છેલ્લે 2003માં દક્ષિણ આફ્રિકાએ ઝિમ્બાબ્વે અને કેન્યા સાથે મળીને આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં ઓસ્ટ્રેલિયન ટીમે ખિતાબ જીત્યો હતો.
આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટ બોર્ડે લીધો મોટો નિર્ણય, ઘરેલું ક્રિકેટમાં થશે મોટા ફેરફારો












