ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો, અમદાવાદમાં ઠેર ઠેર વરસાદ
અમદાવાદ, 27 જુલાઈ 2025: ગુજરાતના વાતાવરણમાં ફેરફારો જોવા મળ્યા છે, અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ જતાં ઘર-દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. સવારે 10 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ અઢી ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જેના પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અઢી ઇંચ જેટલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે. તંત્રના સ્માર્ટસિટીના દાવા પોકળ સાબિત થયા હતા. જ્યારે બીજી બાજુ વાસણા અને ઓઢવમાં પણ ત્રણ ઈંચ વરસાદથી લોકો મુસીબતમાં મૂકાયા હતા.
અમદાવાદમાં જિલ્લામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 3.54 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં અમદાવાદના દસ્ક્રોઇમાં 3.54 ઇંચ, બાવળામાં 2.9 ઇંચ, ધોળકામાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદના આ વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ
જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, કાલુપુર, ઇન્કમટેક્સ, શાહપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણિનગર, લાલ દરવાજા, ગીતામંદિર, વાડજ, ઇન્કમટેક્સ, અને ઉસ્માનપુરા જેવા વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ચાર ઈંચ વરસાદ
અમદાવાદના વટવા વિસ્તારમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યાના સમાચાર છે. જેના કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે. આ સિવાય નારોલ, રામોલ, હાટકેશ્વર જેવા વિસ્તારોમાં વાહનચાલકો પાણીમાં જ ભરાઈ ગયા હતા. સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરતાં તંત્ર સામે ગુસ્સો ઠાલવ્યો હતો.
અમદાવાદ શહેરમાં આ વિસ્તારોમાં વરસાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે. પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ, નિકોલ, નરોડા, અને રબારી કોલોની સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે સરસપુર, વટવા, મણિનગર, ચાણક્યપુરી, ચાંદખેડા, ગોતા, થલતેજ, પકવાન ચાર રસ્તા, સિંધુભવન, ઇસ્કોન, સરખેજ, મકરબા, પ્રહલાદ નગર, અને વેજલપુર સહિતના પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ: SOGએ નિકોલમાંથી 50 લાખના MD ડ્રગ્સ સાથે બેની ધરપકડ કરી












