ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

બદ્રી વિશાલ લાલની જયઃ વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા બદ્રીનાથના દ્વાર

Text To Speech
  • બદ્રી વિશાલ લાલની જય સાથે ગુંજી ઉઠ્યુ બદ્રીનાથ ધામ
  • પહેલા દિવસે 20 હજાર શ્રદ્ધાળુઓ પહોંચવાની આશા
  • મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું

12 મે, નવી દિલ્હીઃ કેદારનાથ બાદ હવે ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામના દ્વાર પણ ખુલી ગયા છે. રવિવારે સવારે 6 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર અને બદ્રી વિશાલ લાલની જયના નારાઓની વચ્ચે શ્રદ્ધાળુઓ માટે બદ્રીનાથના દ્વાર ખોલી દેવાયા હતા. કપાટ ખુલવાની આ મનોહર ઘડી પૂર્વે બદ્રીનાથ મંદિરને લગભગ 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આ દરમિયાન સેનાના બેન્ડની મધુર ધુનોની વચ્ચે શ્રદ્ધાળુઓએ ભગવાન બદ્રી વિશાલનો જયજયકાર લગાવ્યો હતો. પહેલા દિવસે 20 હજાર શ્રદ્ધાળુઓ પહોંચવાની ગણતરી છે. કેદારનાથ મંદિરમાં પહેલા દિવસે 32 હજાર શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા, જે એક રેકોર્ડ છે.

ચાર ધામ યાત્રા શરૂ

વિશ્વ પ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના દરવાજા છ મહિનાના અંતરાલ બાદ ખુલ્યા છે. ગયા વર્ષે શિયાળા માટે બદ્રીનાથ ધામના દરવાજા 18 નવેમ્બરથી બંધ કરી દેવામાં આવ્યા હતા. આ સાથે ઉત્તરાખંડના ચાર ધામના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલી ગયા છે. આ પહેલા ત્રણ ધામ શ્રી કેદારનાથ, શ્રી ગંગોત્રી, શ્રી યમુનોત્રી ધામના દ્વાર ગયા શુક્રવાર, 10 મે, અક્ષય તૃતીયાના દિવસે ખોલવામાં આવ્યા હતા.

શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ (BKTC) દ્વારા દરવાજા ખોલવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. દરવાજા ખોલવાના પ્રસંગે, શ્રી બદ્રીનાથ મંદિરને મંદિર સમિતિ દ્વારા શ્રી બદ્રીનાથ પુષ્પ સેવા સમિતિ, ઋષિકેશના સહયોગથી શણગારવામાં આવ્યું છે.

નવેમ્બર સુધી ચાલશે યાત્રા

બદ્રીનાથ યાત્રા એ હિંદુ ધર્મમાં એક મહત્ત્વપૂર્ણ તીર્થયાત્રા છે, જે ખાસ કરીને ભગવાન વિષ્ણુના ભક્તો દ્વારા કરવામાં આવે છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત પવિત્ર સ્થળ બદ્રીનાથ સમુદ્ર સપાટીથી 3,133 મીટર (10,279 ફૂટ)ની ઊંચાઈ પર આવેલું છે. તીર્થયાત્રા સામાન્ય રીતે એપ્રિલના અંતમાં અથવા મેની શરૂઆતમાં શરૂ થાય છે અને નવેમ્બર સુધી ચાલુ રહે છે.

આ પણ વાંચોઃ બદ્રી વિશાલ લાલની જયઃ વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા બદ્રીનાથના કપાટ

Back to top button