ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ધનિકના દીકરાની અય્યાશી! પબમાં દારૂ પીને 48 હજાર ઉડાડ્યા…પોર્શ કાર કેસમાં પોલીસનો ખુલાસો

  • સગીર છોકરાએ જે બે પબમાંથી દારૂ સેવન કર્યું તે બે પબને સીલ કરવામાં આવ્યા 

પુણે, 22 મે: મહારાષ્ટ્રમાં પુણે પોર્શ કાર કેસને લઈને પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે. પુણેના રસ્તાઓ પર દારૂના નશામાં બે એન્જિનિયરોને કચડી નાખનાર 17 વર્ષના છોકરાએ માત્ર 90 મિનિટમાં પબમાં 48 હજાર રૂપિયા ખર્ચી નાખ્યા હતા. પુણેના અગ્રણી બિલ્ડરના 17 વર્ષના પુત્રએ રવિવારે તેની પોર્શ ટેકન કાર સાથે મોટરસાઇકલને ટક્કર મારતા પહેલા બે પબમાંથી માત્ર 90 મિનિટમાં રૂ. 48,000 ખર્ચ્યા હતા, એમ પોલીસ વડાએ જણાવ્યું હતું. પુણે પોર્શ કાર અકસ્માતમાં બે એન્જિનિયરોના મૃત્યુ થયા હતા.

 

અહેવાલ મુજબ, પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું કે, આ છોકરાએ પહેલા કોજી પબમાં 48,000 રૂપિયા ખર્ચ્યા હતા. કોજી એ પહેલું પબ હતું જ્યાં સગીર આરોપી અને તેના મિત્રો શનિવારે સાંજે 10.40 વાગ્યે ગયા હતા. જ્યારે કોજી પબે તેમને સેવા આપવાનું બંધ કર્યું, ત્યારે તે રાત્રે 12.10 વાગ્યે બીજા પબ, બ્લેક મેરિયોટ માટે રવાના થયો. પોલીસ વડાએ કહ્યું કે, ‘અમને 48,000 રૂપિયાનું પબ બિલ મળ્યું છે, જે આરોપી સગીર દ્વારા ચૂકવવામાં આવ્યું હતું. બિલમાં સગીર છોકરા અને તેના મિત્રોને પબમાં પીરસવામાં આવતા દારૂની કિંમતનો પણ સમાવેશ થાય છે.

 

કચડી નાખતા પહેલા સગીર ભારે નશામાં હતો

દરમિયાન, પૂણેના આ હિટ એન્ડ રન કેસમાં SP મનોજ પાટીલે જણાવ્યું હતું કે, ‘સગીર આરોપી પોતાની પોર્શ કાર ચલાવતા પહેલા એક પબમાં ગયો હતો અને તેણે ખૂબ દારૂ પીધો હતો. અમારી પાસે છોકરા અને તેના અન્ય સાથીઓ દારૂ પીતા હોવાના પૂરતા CCTV ફૂટેજ છે. અમે હજુ પણ બ્લડ સેમ્પલના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.’ જોકે, પોર્શ કાર અકસ્માતથી સર્જાયેલા સંજોગો અને અત્યાર સુધી એકત્ર કરાયેલા પુરાવાના આધારે પુણે પોલીસે મંગળવારે 17 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. આરોપી છોકરા સામે નોંધાયેલા કેસમાં મોટર વાહન અધિનિયમ (ડ્રિન્ક ડ્રાઇવિંગ)ની કલમ 185 ઉમેરવામાં આવી હતી.

બંને પબ સીલ કરવામાં આવ્યા 

મહારાષ્ટ્ર એક્સાઇઝ વિભાગે મંગળવારે પુણે જિલ્લા કમિશ્નરેટના આદેશ પર, પોર્શ કાર કેસના સગીર આરોપીને કથિત રીતે દારૂ પીરસવામાં આવતા બંને પબને સીલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પૂણેના કલ્યાણી નગરમાં રવિવારે વહેલી સવારે નશાની હાલતમાં એક 17 વર્ષના આરોપીએ પોતાની પોર્શ કાર વડે મોટરસાઇકલ પર સવાર બે એન્જિનિયરોને કચડી નાખ્યા હતા. મોટરસાયકલને ટક્કર મારતા પહેલા આરોપી શનિવાર અને રવિવારની રાત્રે 9:30 થી 1 વાગ્યા દરમિયાન તેના મિત્રો સાથે બે પબમાં ગયો હતો અને ભારે દારૂ પીધો હતો. આ પછી જ તેણે બંને એન્જિનિયરોને કચડી નાખ્યા.

આ પણ જુઓ: જજના નામે ગુંડાગીરી કરતા વ્યક્તિની ધરપકડ, જૂઓ પોલીસ કાર્યવાહીનો વીડિયો

Back to top button