અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: આસામમાં ‘ડાકણ’ હોવાના શંકાએ દંપતીની નિર્મમ હત્યા, ઘરને પણ આગ ચાંપી દીધી

આસામ: 31 ડિસેમ્બર, 2025: આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાંથી એક અત્યંત હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં અંધશ્રદ્ધાના નામે એક દંપતીને ‘ડાકણ’ ગણાવી તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. 21મી સદીમાં પણ સમાજમાં વ્યાપ્ત આ સામાજિક બદીએ વધુ બે નિર્દોષ લોકોનો ભોગ લીધો છે.
ઘરની બહાર ખેંચીને ધારદાર હથિયારોથી હુમલો
આ ઘટના કાર્બી આંગલોંગ જિલ્લાના હાવરાઘાટ વિસ્તારના બેલોગુરી મુંડા ગામમાં બની છે. મૃતક દંપતીની ઓળખ 43 વર્ષીય ગાર્દી બિરુઆ અને તેમની 33 વર્ષીય પત્ની મીરા બિરુઆ તરીકે થઈ છે. ગામના કેટલાક લોકોએ દંપતી પર જાદુટોણો અને ડાકણ હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ બંનેને ઘરની બહાર ખેંચી કાઢ્યા હતા અને ધારદાર હથિયારો વડે હુમલો કરી સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધા હતા.
પુરાવા નાબૂદ કરવા ઘરને ફૂંકી માર્યું
હુમલાખોરોની નિર્દયતા એટલી હતી કે, દંપતીની હત્યા કર્યા બાદ તેમના ઘરને પણ આગ લગાવી દેવામાં આવી હતી. આ હિંસક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ અને ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.
પોલીસની કાર્યવાહી અને કાયદો
પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે, દોષિતોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
કાર્બી આંગલોંગ સ્વાયત્ત જિલ્લા પરિષદના અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ આ સામાજિક બદી સામે કડક પગલાં લેવાની સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ ડાકણ ગણાવીને થતી પ્રતાડના કે હત્યાને ગંભીર ગુનો ગણાવી ચૂકી છે. તેમ છતાં, આસામ અને પૂર્વોત્તરના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં આ જાનલેવા અંધશ્રદ્ધા હજુ પણ યથાવત છે.












