ગુજરાતટોપ ન્યૂઝ

અંબાજીમાં દાનચોરીનો વીડિયો ફરી ચર્ચામાં, નોટોનું બંડલ સંતાડતો કર્મચારી કેમેરામાં કેદ

દેશભરમાં રામમંદિરમાં દાનની રકમની ચોરીનો મુદ્દો ચર્ચામાં છે, ત્યારે બનાસકાંઠાના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં બનેલી દાનચોરીની બે મહિના જૂની ઘટના ફરી ચર્ચામાં આવી છે. કારણ કે, આ ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થયો છે. વીડિયોમાં ભંડાર કક્ષમાં નોટોની ગણતરી દરમિયાન એક આઉટસોર્સિંગ કર્મચારી નોટોનું બંડલ છુપાવતો જોવા મળતા લોકોમાં ફરી ચર્ચા શરૂ થઈ છે.

ભંડાર કક્ષમાં ગણતરી દરમિયાન ચોરીનો પ્રયાસ

વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં ભંડાર કક્ષમાં અનેક કર્મચારીઓ દાનમાં આવેલી રોકડની ગણતરી કરતા જોવા મળે છે. આ દરમિયાન આઉટસોર્સિંગ કર્મચારી ચિરાગ ઠાકોર ચોરીછૂપીથી નોટોનું એક બંડલ પોતાના પગ પાસે સંતાડતો હોવાનું દેખાય છે. બાદમાં તક મળતા તે બંડલ લઈને બહાર નીકળવાનો પ્રયાસ કરે છે.

બાથરૂમ જવાના બહાને બહાર નીકળતા ભાંડો ફૂટ્યો

માહિતી મુજબ, ઘટના દરમિયાન ચિરાગ ઠાકોર બાથરૂમ જવાનું કહીને ભંડાર કક્ષમાંથી બહાર નીકળતો હતો. પરંતુ તેના ખિસ્સામાંથી અંદાજે ₹1.04 લાખનું નોટોનું બંડલ નીચે પડી જતાં સમગ્ર મામલો ખુલ્લો પડી ગયો. ત્યાં હાજર અન્ય કર્મચારીઓએ તરત જ આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતાં આરોપીને સ્થળ પર જ પકડી લેવામાં આવ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ત્રણ લોકોની સંડોવણી સામે આવી

પ્રાથમિક તપાસ બાદ પોલીસે માત્ર મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર જ નહીં પરંતુ તેની સાથે સંકળાયેલા વિવેક શર્મા અને નિકુંજ પટેલની પણ ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ચોરીમાં તેમની ભૂમિકા સામે આવતા ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. કોર્ટે સહ-આરોપીઓને પોલીસ રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. પોલીસે તપાસ દરમિયાન ચોરી કરાયેલા બંડલમાંથી 500 રૂપિયાની 208 નોટો જપ્ત કરી હતી.

અધિકારીઓએ નોંધાવી હતી ફરિયાદ

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટરના નિર્દેશ બાદ અધિક કલેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના બાદ ત્રણેય કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ પણ કરવામાં આવ્યા હતા.

વહીવટદારનો ખુલાસો

અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું કે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો તાજેતરનો નથી પરંતુ બે મહિના જૂની ઘટનાનો છે. તે સમયે જ આરોપીઓ સામે FIR નોંધાઈ હતી અને તેમને નોકરીમાંથી હટાવવામાં આવ્યા હતા. હાલ ત્રણેય આરોપીઓ જામીન પર બહાર છે અને કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

ચોરી બાદ ટ્રસ્ટે કડક બનાવ્યા નિયમો

આ ઘટના બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ભંડાર કક્ષની કામગીરીમાં અનેક મહત્વના ફેરફારો કર્યા છે જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને.

  • દાનની રકમની ગણતરીની સમગ્ર પ્રક્રિયાનું હવે લાઈવ પ્રસારણ મંદિર પરિસરની LED સ્ક્રીન પર કરવામાં આવે છે.
  • ભંડાર કક્ષમાં દરેક ખૂણો આવરી લે તે રીતે 20થી વધુ હાઈ-રિઝોલ્યુશન CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
  • આઉટસોર્સિંગ અને વર્ગ-4ના કર્મચારીઓને રોકડ ગણતરીની પ્રક્રિયાથી દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • ભંડાર કક્ષમાં પ્રવેશતા અને બહાર નીકળતા તમામ કર્મચારીઓનું SRP જવાનો દ્વારા કડક ચેકિંગ કરવામાં આવે છે.

પારદર્શિતા વધારવા પ્રયાસ

મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે દાનની રકમ અંગે શ્રદ્ધાળુઓનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે સમગ્ર પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવામાં આવી છે. નવી SOP હેઠળ સતત દેખરેખ, ટેક્નોલોજીનો ઉપયોગ અને કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી ન બને.

આ પણ વાંચો: વાયરલ થવા વૃદ્ધાએ પાર કરી હદ: ચાલુ સ્કોર્પિયોના ફૂટ સ્ટેપ પર સ્ટંટ, પોલીસ હરકતમાં

Back to top button