ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બંને હાથ કામ નથી કરતા છતા રાઈટરની મદદ લેવાનો ઈનકાર, પગેથી લખીને આપશે પરિક્ષા, અમદાવાદના વિદ્યાર્થીની પ્રેરક કહાની

અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા 15 વર્ષના નિતિનની કહાની જાણીને તમને પણ ગર્વ થશે. નિતિનને જન્મથી જ 60% દિવ્યાંગતા છે, જેના કારણે તેના બંને હાથ કામ નથી કરતા. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ રહી છે. પરીક્ષાના નિયમો અનુસાર તેને રાઈટર (લેખક)ની મદદ લેવાનો અધિકાર છે, પરંતુ આ બહાદુર છોકરાએ તેનો ઈનકાર કર્યો છે અને નક્કી કર્યું કે તે ધોરણ 10ની બોર્ડની તમામ પરીક્ષાઓ પોતાના પગથી લખીને જ આપશે.

બંને હાથ કામ ન કરવાને કારણે નાનપણથી જ નિતિન પગથી લખવાની પ્રેક્ટિસ કરતો આવ્યો છે. જે કામ તેના માટે જરૂરી હતું, તેને તેણે તાકાતમાં ફેરવી દીધું. ઘરે રોજ પ્રેક્ટિસ કરીને તેણે સુંદર અને ઝડપી લેખન વિકસાવ્યું છે, જેથી પરીક્ષાના સમયમાં તે આરામથી પેપર પૂરા કરી શકે. ધોરણ 1થી અત્યાર સુધી તેણે દરેક પરીક્ષા વગર કોઈ મદદે આપી છે. તેના પિતા શ્રીકૃષ્ણ પાસવાન ઈંટોની ભઠ્ઠીમાં કામ કરે છે, જ્યારે માતા અગરબત્તી બનાવીને ઘર ચલાવે છે. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ માતા-પિતાએ નિતિનના શિક્ષણ અને સ્વાવલંબનને પ્રોત્સાહન આપ્યું.

નિતિન માટે શરૂઆતમાં સ્કૂલમાં પ્રવેશ મેળવવો સરળ નહોતો. કેટલીક પ્રાઈવેટ સ્કૂલોએ તેની દિવ્યાંગતાને કારણે તેને પ્રવેશ ન આપ્યો, પરંતુ એક સ્થાનિક મ્યુનિસિપલ સ્કૂલના શિક્ષકે મદદ કરી અને તેને ધોરણ 1થી 8 સુધીનું શિક્ષણ અપાવ્યું. પછી રાષ્ટ્રભારતી હિન્દી હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10 માટે પ્રવેશ મળ્યો. નીતિન મક્કમતા સાથે કહે છે કે, ‘મારી તૈયારી સંપૂર્ણ છે અને મને વિશ્વાસ છે કે હું રાઈટરની મદદ વિના પણ પગ વડે લખીને સારી રીતે પરીક્ષા આપી શકીશ.’

આ કહાની બતાવે છે કે દિવ્યાંગતા શરીરની હોય છે, મનની નહીં. નિતિન જેવા યુવાનો આપણને શીખવે છે કે મહેનત અને ઈચ્છાશક્તિથી કંઈ પણ શક્ય છે.

આ પણ વાંચો: Gujarat Weather: આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા, ખેડૂતો પાકને બચાવવા માટે તૈયાર રહે

Back to top button