અમદાવાદમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ઘરમાં સૂતેલા 5 લોકો ગંભીર રીતે દાઝ્યા

અમદાવાદ, 31 માર્ચ 2026: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં એક મકાનમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગવાની ઘટના બની હતી. ગેસનો બાટલો ફાટવાના કારણે ઘરમાં સૂતેલા પાંચ જેટલા લોકો દાઝી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પાંચેય દાઝેલા લોકોને સારવાર અર્થે 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. મકાનમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાના કારણે મકાનમાં મોટું નુકસાન થયું છે. ધડાકો એટલો જોરદાર હતો કે, આજુબાજુના બે મકાનના પણ બારી-બારણાના કાચ તૂટી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાના કારણે આ ઘટના બની હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં ગેસ લીકેજ થયો છે, જેથી ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા, ત્યારે મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયેલો જોવા મળ્યો હતો. ઘરના સામાન અને ગાદલામાં આગ લાગેલી હતી, જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવામાં આવી હતી.
આ પણ વાંચો: આજનું હવામાન: દેશના આટલા રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદ થશે, કરા પડવાની પણ આગાહી












